વડોદરા : અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ક્ષણમાં ભાગીદાર બનતા દર્ભાવતી નગરી ડભોઇ કેસરિયા રંગે રંગાઈ હતી. દર્ભાવતી નગરી ડભોઇમાં રામધૂન અને કેસરિયા ઝંડાના માહોલ વચ્ચે ભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવ્ય બાઇક રેલી : અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને વડોદરા જિલ્લાના ડભોઇ નગરમાં સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ APMC ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી બાઈક રેલી શહેરના વિવિધ માર્ગો પર નીકળતા જય શ્રી રામના નારાથી ડભોઇ નગર ગૂંજી ઉઠ્યું હતું. ડભોઇ APMC ગ્રાઉન્ડ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના પુરાણી સ્વામી, સુદર્શન આચાર્ય, શ્રીજીચરણ સ્વામી, બ્રહ્માકુમારી પરિવાર અને અન્ય સાધુ-સંતોએ પણ બાઈક રેલીમાં ઉપસ્થિત રહીને સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું.
કારસેવકોનું સન્માન : આ પ્રસંગે દર્ભાવતી નગરી ડભોઇમાં વિવિધ સ્થળોએ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુંદરકાંડના પાઠ, રામધૂન, હનુમાન ચાલીસાના પાઠ, સત્યનારાયણની કથા વગેરે જેવા કાર્યક્રમોનું વિવિધ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ઉપરાંત ડભોઇ તાલુકાના 108 જેટલા કારસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ડભોઇ રામમય બન્યું : આ ઐતિહાસિક ક્ષણને ઉજવતા નગરના ઐતિહાસિક કિલ્લાને રામનામ અને વિવિધ ધાર્મિક સૂત્રો પ્રદર્શિત કરતી લાઈટિંગથી સજાવ્યા હતા. જેનાથી શહેરમાં ભવ્ય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.