વલસાડ: ઉત્તરાખંડના ચામોલાઈમાં આવેલા ભગવાન બદ્રીનાથનું મંદિર હિન્દુઓ માટે ચાર ધામ પૈકીનું એક ધામ છે. અનેક લોકો પોતાના જીવન દરમિયાન દર્શન કરવા જવાની મહેચ્છા હોય છે, પરંતુ સમય તેમજ આર્થિક પરિસ્થિતિ અને ઉંમરને કારણે તેઓ ત્યાં દર્શન કરવા જઈ શકતા નથી. ત્યારે આવા લોકો વલસાડમાં જ રહી ભગવાન બદ્રીનાથના દર્શન કરે એવા હેતુ સાથે ભગવાન બદ્રીનાથના મંદિરની આબેહૂબ થીમ સાથે ગણેશ મંડપ બનાવી ભગવાન ગણેશજીની સ્થાપના પારડીના ભ્રમદેવ મંડળ દ્વારા કરવામાં આવી છે. જેને જોવા માટે લોકો સેલવાસ દમણ વલસાડ સહિતના વિસ્તારોથી દર્શનાર્થે આવી રહ્યા છે.
હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ભગવાન બદ્રીનાથનું મંદિર
ભગવાન બદ્રીનાથનું મંદિર ભારતના ઉત્તરાખંડના આવેલા ચમોલાઈ જિલ્લામાં આવેલું છે, જે ખૂબ દુર્ગમ વિસ્તાર હોવાનું માનવામાં આવે છે. જ્યાં પહોંચવું ઘણું કઠિન માનવામાં આવે છે. ત્યારે ચારધામમાંથી એક ગામ તરીકે બદરીનાથને પણ માનવામાં આવે છે. જેથી હિન્દુઓમાં આ મંદિર ખુબ આસ્થા ધરાવે છે. લોકો સમગ્ર ભારત જ નહીં વિશ્વમાંથી હિન્દુઓ અહીં દર્શનાર્થે આવે છે. ત્યારે આજ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવી પારડીના બ્રહ્મદેવ મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી થઈ છે.
47 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી
પારડી ખાતે નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલા બ્રહ્મદેવ મંદિરની બાજુમાં છેલ્લા 47 વર્ષથી બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવાય છે. કેદારનાથ મંદિરથી ઉપર ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે સમયે મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાહ્વો લીધો હતો. જેને ધ્યાને રાખી આ વખતે ગણેશ મહોત્સવમાં બદ્રીનાથ મંદિરની થીમના આધારે આબેહૂબ મંદિર નું નિર્માણ કરી પંડાલ બનાવવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થે લોકોની ભીડ ઉમટી રહી છે.
એક માસ અગાઉ થી તૈયારી કરાઈ
ભગવાન બદ્રીનાથના મંદિર બનાવવા માટે ગણેશ મહોત્સવના એક માસ અગાઉથી બ્રહ્મદેવ યુવક મંડળના મહિલાઓ બાળકો અને યુવાનો દ્વારા સતત મહેનત કરવામાં આવી હતી અને આ મહેનત ખરેખર રંગ લાવી છે. ગણેશ મહોત્સવના પ્રથમ દિવસથી જ અહીં બદ્રીનારાયણ ભગવાનના દર્શન માટે ભાવિક ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. રાત દિવસ કામ કરીને સતત એક માસ સુધી આ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
પ્રતિકૃતિ બનાવવા પાછળનો મુખ્ય હેતુ
પ્રતિકૃતિ બનાવવા પાછળનો મુખ્ય હેતુ જણાવતા બ્રહ્મદેવ યુવક મંડળના સભ્યોએ જણાવ્યું કે, જેઓ વાયો વૃદ્ધ છે, જેઓની સ્થિતિ આર્થિક રીતે નબળી છે, એવા લોકો જે ઉત્તરાખંડના ચમોલાઈ જિલ્લામાં આવેલા બદ્રીનાથ ભગવાનના દર્શન કરવા માટે જઈ નથી શકતા. એવા લોકોને અહીં પારડી ખાતે જ ભગવાનના દર્શન થાય અને આબેહૂબ બદ્રી નારાયણ ભગવાનના મંદિરની પ્રતિકૃતિના દર્શન અહીં જ થઈ શકે તે માટે બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન આ પંડાલ બનાવવામાં આવ્યું છે.
દર્શનાર્થે આવનારા ભાવિકો પણ દર્શન કરી અભિભૂત
બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા પારડીના નેશન હાઈવેની બાજુમાં આવેલી સરકારી કોલેજના પટાંગણમાં બનાવવામાં આવેલા બદ્રીનાથ ભગવાનની થીમ ઉપરના આ ગણેશ પંડાલમાં અનેક જગ્યાએથી લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. સેલવાસ, દમણ, વલસાડ, વાપી જેવા આસપાસના અનેક ક્ષેત્રમાંથી આબેહૂબ મંદિરના દર્શને આવેલા લોકો પણ દર્શન કરીને ભાવવિભોર બની રહ્યા છે. અહીં આવનારા દર્શનાર્થીઓ પણ યુવક મંડળની મહેનતને બિરદાવી રહ્યા છે.
અતુલથી દર્શને આવેલ એક મહિલાએ જણાવ્યું કે, "મંડળના સભ્યો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ કાબિલે દાદ છે. એક માસના સમય કરતા પણ વધુ સમયથી તેઓની કામગીરી રાત દિવસ કરવામાં આવી છે. તેમ જ આબેહૂબ બદ્રીનાથ જેવું જ મંદિર અહીં ઊભું કરાયું છે. જેઓ ઉત્તરાખંડ સુધી જઈ નથી શકતા અને આર્થિક સ્થિતિ નબળી છે, તેઓના માટે આ મંદિર ભગવાનના આશીર્વાદ કરતા પણ વધુ છે."
આમ વલસાડ જિલ્લાના પારડી ખાતે બ્રહ્મદેવ યુવક મંડળ દ્વારા બદ્રીનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે બનાવવામાં આવેલા ગણેશપંડાલ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.