સુરત : ટોલનાકા કર્મચારી, સરકારી અધિકારી અને કચેરીઓ બાદ હવે બોગસ ઇન્કમટેક્સ ઓફિસરની એક ઘટના સુરત શહેરમાં પ્રકાશમાં આવી છે. એક લૂંટની ઘટનાને અંજામ આપવા માટે આરોપીએ ઇન્કમટેક્સ ઓફિસર હોવાની ઓળખ આપી હતી. IT ના અધિકારી બનીને કતારગામ વિસ્તારમાં સેફ વોલ્ટ વાનમાંથી બંદૂકની અણીએ 8 કરોડ રૂપિયાની લૂંટ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવનાર ચાર લોકો સામે શંકાના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉલટ તપાસ શરુ કરી છે.
8 કરોડની ચકચારી લૂંટ : સુરત શહેરના કતારગામ વિસ્તારમાં મોટાભાગે હીરાના કારખાના છે, ઉપરાંત ત્યાં લુમ્સના કારખાના પણ ધમધમે છે. જેથી અનેક સેફ વોલ્ટ પણ ત્યાં છે. આવા જ એક સેફ વોલ્ટમાંથી કેસ વાન કર્મચારીઓ અને ચાલક 8 કરોડ રૂપિયા લઈને જઈ રહ્યા હતા, ત્યારે મારુતિ વાનમાં આવેલા લોકોએ લૂંટ ચલાવી હતી. આરોપીઓએ બંદૂકની અણીએ વાનચાલક સહિત અન્ય ચાર લોકોને વાનની અંદર બેસાડી લૂંટ ચલાવી હતી. ત્યારબાદ તમામને વરિયાવ બ્રિજ પાસે ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
અમારી પાસે ફરિયાદ આવી છે અને અમે હાલ જે ફરિયાદી છે તેમજ વાનચાલક સહિત અન્ય ત્રણ કર્મચારીઓની ઉલટ તપાસ કરી રહ્યા છીએ. આ ઘટના અંગે જે અપડેટ હશે તે અમે તપાસ બાદ જ આપને જણાવી શકીશું. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પણ અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે. -- કિરણ મોદી (PI, સુરત ક્રાઈમ બ્રાન્ચ)
બંદૂકની અણીએ લૂંટ : આ અંગે મળતી માહિતી અનુસાર કતારગામ સેફ વોલ્ટમાંથી એક હીરાના વેપારીના 8 કરોડ રૂપિયા વાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ત્યારે એક અજ્ઞાત વ્યક્તિ ત્યાં આવ્યો અને પોતે ઇન્કમટેક્સ અધિકારી હોવાની ઓળખ આપી બંદૂકની અણીએ વાન ઉપર કબજો કરી લીધો હતો. એટલું જ નહીં વાહનચાલક સહિત અન્ય ચાર લોકોને વાનમાં બેસાડી આરોપી વરિયાવ બ્રિજ પાસે પહોંચ્યા હતા. તમામ બંધકને ત્યાં ઉતારી આરોપીએ આઠ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ઘટનાના CCTV ફૂટેજ : સૌથી અગત્યની વાત છે કે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી તેના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે તેમની પાસે ફરિયાદ આવી નથી. જ્યારે આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદીએ પહોંચીને આ ઘટના અંગે જાણકારી હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. જેના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરીયાદીની ઉલટ તપાસ : ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર કિરણ મોદીએ જણાવ્યું હતું કે, અમારી પાસે ફરિયાદ આવી છે અને અમે હાલ જે ફરિયાદી છે તેમજ વાનચાલક સહિત અન્ય ત્રણ કર્મચારીઓની ઉલટ તપાસ કરી રહ્યા છીએ. આ ઘટના અંગે જે અપડેટ હશે તે અમે તપાસ બાદ જ આપને જણાવી શકીશું. હાલ સીસીટીવી ફૂટેજના આધારે પણ અમે આરોપીઓની શોધખોળ કરી રહ્યા છે.