સુરત : સુરત જિલ્લામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું છે. સુરત જિલ્લા LCB ટીમે કામરેજના માંકના ગામે આવેલ GIDC માંથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં કેમિકલ વાળો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં કુલ પાંચ ઇસમોની ધરપકડ કરી અને દારૂની બોટલો, પાઉચ, વિદેશી દારૂ બનાવવાનું પ્રવાહી, સ્ટીકરો અને ઢાંકણ મળી કુલ 14,58,530 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નકલી દારૂ બનાવતું કારખાનું : સુરત જિલ્લા LCB ટીમે કામરેજ તાલુકાના માંકના ગામની GIDC માં આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાચના ગોડાઉનમાં રેડ પાડી હતી. જ્યાં ધમધમી રહેલા નકલી વિદેશી દારૂના કારખાના પર રેડ કરી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં કેમિકલ વાળો દારૂ ભરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
પાંચ આરોપી ઝડપાયા : આ કારખાનામાં અલગ અલગ પ્રકારના કેમિકલ બનાવી, તેને કિંમતી બ્રાન્ડેડ કંપનીના વિદેશી દારૂની જૂની ખાલી બોટલમાં ભરી પેકિંગ કરી વેચવામાં આવતું હતું. પોલીસે મુખ્ય સૂત્રધાર શકિતસિંહ મુલસિંહ ચુડાવત, મિતેષ અગ્રવાલ, હાર્દિક જસવંત મૈસુરિયા, લોકેશસિંહ મુલસિંહ ચુડાવત અને નઈમ ઈમ્તિયાઝ મુલતાનીને સ્થળ પરથી દબોચ્યા હતા. સાથે જ દારુ મોકલનાર મહાદેવ ગુજ્જર અને અકબર નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યા હતા.
14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે : સુરત જિલ્લા LCB PI આર. બી. ભટોળે જણાવ્યું હતું કે, સ્થળ પરથી વિદેશી દારૂની સીલબંધ નાની-મોટી બાટલી, પાઉચ, વિદેશી દારૂનું પ્રવાહી, વિદેશી દારૂની બાટલી પર મારવાના ઢાંકણ, સ્ટીકર, બેરલ, રીક્ષા, કાર અને રોકડ મળી કુલ 14,58,530 નો મુદ્દામાલ કબજે કરી સમગ્ર કેસની તપાસ કીમ પોલીસ મથકના PSI વી. આર. ચોસલાને સોંપી છે.