સુરત: હંમેશા વિવાદોમાં રહેનાર અને સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ સામે સુરત કાપોદ્રા પોલીસ મથકમાં ખંડણીનો ગુનો નોંધવામાં આવ્યો છે. બિલ્ડર વજુ કારોડીયા દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વર્ષ 2017 માં તેઓએ વિજય સવાણી નામના વ્યક્તિ પાસેથી વેલંજા ખાતે એક ફ્લેટની ખરીદી કરી હતી. જોકે સમયસર નાણાં નહીં ચૂકવતા ફ્લેટનો સોદો કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ વિજય સવાણી બિલ્ડર પાસે વધુ 7 લાખ રૂપિયા માંગી રહ્યો હતો. આ ઘટના પછી કોરોના અને લોકડાઉનની સ્થિતિ આવી જતા બિલ્ડર વજુ કારોડીયાએ નાણાની ચુકવણી માટે સમય માંગ્યો હતો. પરંતુ સમય પસાર થતાં વિજય સવાણીએ 7 લાખની જગ્યાએ 30 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. જે અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
વીડિયો વાયરલ કરવાની ધમકી: નાણાની ઉઘરાણી કરવા માટે આરોપી વિજય સવાણીએ સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલનો સહારો લીધો હતો. કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતે વિજય કારોડીયાને ધાક ધમકી આપી હતી. ત્યારબાદ બિલ્ડરને તેણે સમાધાન માટે પોતાના ફાર્મ હાઉસ પર મીટીંગ માટે બોલાવ્યો હતો. અને ત્યાં વજુ કારોડીયાને જણાવ્યું હતું કે, કોઈ મનીષા નામની મહિલા સાથે તેના અંગત પળનો વીડિયો છે જે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. આ ધમકી કીર્તિ પટેલ અને ઝાકીર નામના વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી. સાથે હની ટ્રેપમાં ફસાવી દેવા માટે 7 લાખની જગ્યાએ 2 કરોડ રૂપિયાની માંગણી કરાઈ હતી.
ખંડણીનો ગુનો દાખલ: આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર મનોજ આસુરાએ જણાવ્યું હતું કે, કોઈ મહિલા સાથે બિલ્ડરનો અંગત પળનો વીડિયો વાયરલ કરવાના નામે 2 કરોડ રૂપિયાની માંગણી ઝાકીર અને કીર્તિ પટેલ અને મનીષા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં વિજય સવાણી નામનો ઈસમ પણ સામેલ છે. કાપોદ્રા પોલીસ મથકમાં ખંડણીનો ગુનો દાખલ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.