ગાંધીનગર : વાવ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકના સાંસદ તરીકે ચૂંટાયા બાદ હવે ગાંધીનગર MLA ક્વાર્ટર્સ ખાતે તેમના નિવાસ્થાને આવી ગયા છે. અહીં આજે સવારથી મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો એકત્ર થયા અને બનાસની બેનનું ફટાકડા ફોડી જોરદાર સ્વાગત કર્યું હતું. ગેનીબેને સૌ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો અને કોંગ્રેસના નેતાઓ સાથે વિધિવત રીતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સમક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
વાવ બેઠક પેટા ચૂંટણી : ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 25 બેઠકો પર ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું. સુરતની એક બેઠક બિનહરીફ સહિત અન્ય 24 બેઠક ભાજપે જીતી છે. જ્યારે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. અહીંથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. હવે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાને ઉતારશે તે અંગે ચર્ચા થઈ રહી છે.
વાવ બેઠકનો દાવેદાર કોણ ? સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. આ બેઠક ખાલી પડશે એટલે છ મહિનાની અંદર વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાશે. આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. અહેવાલો અનુસાર, કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત ઠાકરશી રબારીનું નામ ચર્ચાઇ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે.
શું દેવાયત ખવડને ચૂંટણી લડવાની ઈચ્છા છે ? ચર્ચા તો એવી પણ ચાલી હતી કે લોક સાહિત્યકાર દેવાયત ખવડ હવે ગેનીબેનનું સ્થાન લેશે ? કારણ કે બનાસકાંઠામાં યોજાયેલ એક ડાયરામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં દેવાયત ખવડે કહ્યું કે, ન કરે નારાયણ'ને મને ટિકિટ મળી જાય તો બનાસકાંઠાની પ્રજા મને જીતાડી દે એમ છે, મને આ બનાસે એટલો બધો પ્રેમ આપ્યો છે. અહીંના એક-એક સમાજે મને પ્રેમ કર્યો છે. આ રીતે બોલતા તેમણે ડાયરામાં પોતાની ચૂંટણી લડવાની ઝીણી-ઝીણી ઈચ્છા વ્યક્ત કરી હતી.
62 વર્ષે મળ્યા મહિલા સાંસદ : પાકિસ્તાન બોર્ડરથી માંડ 30 કિમી દૂર આવેલા બનાસકાંઠા લોકસભા બેઠકમાં ભારે જંગ જામ્યો હતો. ગુજરાતની આ લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈ હતી અને અંતે ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલાને સંસદમાં જવાનો મોકો મળશે. 1962માં જોહરાબેન ચાવડા કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.