પોરબંદર: જિલ્લામાં વગર કારણે અવારનવાર વીમા કંપનીઓ વીમા કલેઈમ રિજેકટ કરતા હોવાના બનાવોએ વેગ પકડયો છે. મોટા ભાગની વીમા કંપનીઓ વીમા પ્રીમિયમ વસૂલી લીધા બાદ કલેઇમ સમયે જવાબદારીમાંથી હાથ ખંખેરી મોટી રકમનું ચુકવણું ન કરવું પડે તે માટે અલગ અલગ બહાનાઓ બતાવી કલેઇમ રિજેકટ કરતી હોય છે.
જેની સામે ઘણાં જાગૃત ગ્રાહકો કાનૂની રાહે આગળ વધીને તેમની પુરી ક્લેમની રકમ પરત મેળવે છે તેમજ વીમા કંપનીઓને ખાસ પેનલ્ટીના હુકમો પણ થતા હોય છે.
વીમા ક્લેઇમ વીમા કંપનીએ રિજેક્ટ કર્યો: પોરબંદરમાંથી આવો એક બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર જિલ્લાના સોઢાણા ગામના ખેડૂત નાગા મેરામણ કારાવદરાએ પોતાની ભેંસ માટેનો તબેલો બનાવવા માટે લોન લીધી હતી અને આ માટે રાજ્ય સરકારની "કેટલ" યોજના અંતર્ગત લાભ મેળવ્યો હતો. ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સ કંપનીનો ભેંસ માટેનો વીમો ઉતારવામાં આવ્યો હતો. જેનો વીમા પ્રીમિયમ ૨કમ રૂ. 43.330 વીમા કંપનીમાં ભર્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી ભેંસનું અકાળે મૃત્યુ થતાં ખેડૂતે વીમાનો કલેઇમ કર્યો હતો. પરંતુ વીમા કંપનીએ અજીબોગરીબ કારણ બતાવી વીમા કલેઈમ ગેરકાયદેસર રીતે રીજેકટ કર્યો હતો . વીમા કંપની દ્વારા ભેંસ ઉપર રહેલું ટેગ કાઢીને કંપનીમાં મોકલાવી આપવા જણાવ્યું હતું.
મૃત ભેંસ પરથી ટેગ કાઢતા ક્લેઇમનો ઇન્કાર: આ ટેગ મૃત ભેંસના શરીર પરથી કાઢતી વખતે તે તૂટી ગયું હતું. જેથી કંપનીએ વીમા ક્લેઇમ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેની સામે આ જાગૃત ખેડૂતે પોરબંદરના જાણીતા એડવોકેટ વિજયકુમાર પંડયા મારફત વીમા કંપની અને એજન્ટને લીગલ નોટિસ આપીને ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે કેસ દાખલ કર્યો હતો. જેમાં વીમા કંપનીએ પોતાની વીમા પોલીસીના વિચિત્ર નિયમોની સૂચી રજૂ કરીને ડેમેજ ટેગ હોવાથી કલેઇમ નકાર્યો હોવાનો બચાવ કર્યો હતો.
કોર્ટે વીમા કંપનીને ક્લેઇમ ચૂકવવાનો હુકમ કર્યો: વકિલ વિજયકુમાર પંડયાએ એવી દલીલો કરી હતી કે, ટેગ કાઢવો એ વીમા કંપનીના ટ્રેન પર્સનની જવાબદારી હોય છે. ઉપરાંત આવી કોઇ પ્રકારની તાલીમ વીમા પોલિસી ખરીદતી વખતે કે વીમા પ્રીમિયમ સ્વીકારતી વખતે જણાવવામાં કે શીખવવામાં આવેલી નહોતી. આ કારણે ક્લેઇમ નકારી શકાય નહીં અને વીમાં પ્રીમિયમ નિયમિત રીતે વસૂલવા સુધી આવા કોઇ જ નિયમોની સૂચિ અમલમાં આવતી નથી. માત્ર ક્લેઇમ સમયે ઓચિંતી જણાવવામાં આવતા નિયમો કાયદેસરના માની શકાય નહી. ખેડૂતના વકીલે કરેલી દલીલો અને પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે 30 દિવસમાં વીમા કંપનીને રુ.62000 ચૂકવી આપવાનો હુકમ આપ્યો હતો. આ હુકમથી ગ્રાહક ખેડૂતને ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો: