ગાંધીનગર: આજે ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું સત્ર શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સત્ર ચાલુ થાય તે પેહલા જ કોંગ્રેસના ધારસભ્યોએ વિધાનસભાના પગથિયે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ એપ્રોન પહેરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ટૂંકી મુદ્દતના પ્રશ્નોને લઇને વિપક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો: ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલાં જ કૉંગ્રેસના ધારાસભ્યોએ વિવિધ પોસ્ટર અને બેનરો સાથે સરકાર સામેપોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોંઘવારી અને બેકારી જેવા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવા માંગણી કરી હતી. કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા ધારાસભ્યોએ વિવિધ પ્રજાકીય પ્રશ્નોના બેનર્સ પહેરીને પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નો કાઢી નાખ્યા: 3 દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નો કાઢી નાખ્યાં હોવાનો આરોપ લગાવતા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ સરકારની નીતિ રીતિ પર ચાબખા માર્યા હતા. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં શિષ્ટાચાર બન્યો હોય એવી સ્થિતિ છે.
ગુજરાતમાં બનતી ઘટનાની ચર્ચા થવી જરુરી: સરકારના ભ્રષ્ટાચારનો ભોગ બનેલ લોકો અંગે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ. ગુજરાતમાં બનતી ઘટનાની ચર્ચા વિધાનસભામાં થવી જરૂરી છે. વધારે ચર્ચા ના થાય એ માટે ટૂંકી મુદ્તના પ્રશ્નો લાવવામાં આવ્યા છે. મંત્રીઓ કોંગ્રેસના પ્રશ્નોની ચર્ચા ના થાય એવું ઈચ્છતા હતા એટલે અમારા પ્રશ્નો કાઢી નખાયા છે. કોંગ્રેસના સભ્યોએ પ્રજાના પ્રશ્નોને ચર્ચા અંગે માંગ કરી હતી. કોંગ્રેસ પક્ષના તમામ પ્રશ્નો રદ કર્યા છે, 116 ની નોટિસ પણ અમારી રદ કરી છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે: ભ્રષ્ટાચારને લઇ અમે પ્રશ્નો ઉઠાવવાના હતા. આજે ગુજરાતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. વિભાગો વચ્ચે ભ્રષ્ટાચાર કરવાની સ્પર્ધા ચાલી રહી હોય એવું લાગે છે. અમે વિધાનસભાની અંદર બહાર પ્રજાના પ્રશ્નોને વચા આપીશું. અમે ગૃહમાં રાજકોટ, મોરબી, તક્ષશિલા જેવી ઘટનામાં કોણ અધિકારી સામેલ છે. તેની સાથે રોજગારી, મોઘવારી જેવા પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના હતા. પરંતુ સરકારે તેમ કરવા દીધું નથી.