અમદાવાદ: આજરોજ 3 ઓગ્સ્ટના રોજ કોંગ્રેસ ભવન ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ બિમલ શાહે ભાજપના કાર્યો બાબતે વાત કરી હતી. બિમલ શાહે જણાવ્યું હતું કે, કચરા માટે 240 કરોડનો કોન્ટ્રોક્ટ જુલાઈ સુધીમાં 330 કરોડનો કરી દેવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારના લીધે રોડ, બ્રિજ, પાણીની પાઇપ લાઈન ટૂટે છે. નવા બનતા રસ્તાઓ ભ્રષ્ટાચાર દર્શાવે છે, કારણ કે આટલા ઓછા વરસાદમાં ભૂવા પડે છે. ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર માટે દંડ અને સજા હોવી જોઈએ.
કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાત : બિમલ શાહે વધુમાં જણાવ્યું કે, "ભાજપના રાજમાં કાંડ અને કૌભાંડો થઈ રહ્યા છે. 50 કરોડના ખર્ચે બનેલ હાટકેશ્વરના બ્રિજ બાબતે હજુ સુધી કોઈ ચુકાદો આવ્યો નથી. કટકી કૌભાંડ અને કાંડ જેવી આ શાસન વ્યવસ્થા છે. હાલમાં ફ્લેટ દીઠ 25,000 રૂપિયા BU પરમિશનના નામે ભ્રષ્ટાચાર થાય છે. ભાજપનો જંડો ખરીદવા ગયેલ વ્યક્તિ પાસે લખાણમાં તેની માહિતી લેવામાં આવે છે. સરકાર ધૃતરાષ્ટ્ર અને કોર્પોરેશન અધિકારીઓ દુશાસન જેવા જોવા મળે છે. ત્યારે કોંગ્રેસ પાંડવો બનીને ભ્રષ્ટાચારને હરાવશે." એક મોટી જાહેરાત કરતા બિમલ શાહે જણાવ્યું કે, "9 ઓગસ્ટે યોજાનાર મોરબીથી ગાંધીનગર પદયાત્રામાં લાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં 101 કાર્યકર્તાઓ જોડાશે અને ગુજરાતમાં થયેલ તમામ કાંડના પીડિતોના સગા પણ આ પદયાત્રામાં જોડાશે."
500 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ : બિમલ શાહે કહ્યું કે, ભાજપે ભયમુક્ત ભ્રષ્ટાચારની માજા મૂકી છે. અહીં કોર્પોરેશનના ઇન્ચાર્જને મન ફાવે ત્યારે કાઢી મૂકવામાં આવી રહ્યા છે. ઉપરાંત લોકો દ્વારા ભરવામાં આવતા ટેક્સનું મોટું નુક્સાન થઈ રહ્યું છે. ભાજપ દ્વારા સિસ્ટેમેટીક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનમાં 500 કરોડનો ભ્રષ્ટાચાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. સાથે જ કચરો, રોડ અને બ્રિજ, પરિવહનના કોન્ટ્રાક્ટમાં 500 કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર જોવા મળે છે.