સુરેન્દ્રનગર : મોરબીથી શરૂ થયેલ કોંગ્રેસની ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા ન્યાય યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસની ન્યાય યાત્રા : કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં વિવિધ પ્રશ્નોને લઇ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી ઝુલતો બ્રિજ દુર્ઘટના, રાજકોટ અગ્નિકાંડ, સુરત તક્ષશિલા કાંડ અને વડોદરા હરણી બોટ કાંડ જેવા દુર્ઘટનાઓમાં પ્રભાવિત થયેલા મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ આગળ આવ્યું છે. મોરબીથી શરૂ કરી રાજકોટ, સુરેન્દ્રનગર અને વિરમગામ થઈ ગાંધીનગર સુધીની ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
"સુરેન્દ્રનગર જિલ્લાના લોકોએ સમસ્યાઓ લખીને કેટલીક ચિઠ્ઠીઓ આપી છે. ગાંધીનગર જઈને આજ ચિઠ્ઠીઓ ખુલશે અને તે અંગે યોગ્ય ન્યાય મળે તે માટે ન્યાયતંત્રનું આયોજન કરવામાં આવ્યું છે."-- જીગ્નેશ મેવાણી (ધારાસભ્ય, વડગામ વિધાનસભા)
ચોટીલામાં ભવ્ય સ્વાગત : મોરબીથી શરુ થયેલી ન્યાય યાત્રા વાયા રાજકોટ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી છે. જ્યાં રાત્રી રોકાણ બાદ ન્યાય યાત્રા સુરેન્દ્રનગર તરફ રવાના થશે. આ ન્યાય યાત્રા અને તેમાં જોડાયેલા તમામ લોકોનું ચોટીલા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋતિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ નવસાદ સોલંકી અને કાર્યકરોએ ઉપસ્થિત રહી ન્યાય યાત્રાનું સ્વાગત કર્યું હતું.
ભાજપ પર નિશાન સાધ્યું : ન્યાય યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી તે દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતાના આંદોલનમાં કોઈ ભાગ લીધો નથી, તે તિરંગા યાત્રા કાઢી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના લોકો દ્વારા ન્યાય યાત્રામાં ગેરકાયદેસર કાર્બોસના ધનના કુવામાં મજૂરોના મોત, ગેરકાદેસર સાથણીની જમીનનો પ્રશ્ન, ગૌચરના પ્રશ્ન, ગેરકાયદેસર ખનન અને જિલ્લામાં ભ્રષ્ટાચાર અંગે કેટલીક ચિઠ્ઠીઓ આપવામાં આવી છે. ગાંધીનગર જઈને આ ચિઠ્ઠીઓ ખુલશે.