રાજકોટ: ધોરાજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી તબીબોની અછત હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે તબીબોની અછતની સાથે સાથે અહીંયા સ્ટાફની પણ કમી જોવા મળી રહી છે. જેમાં 50% જેટલી કમીઓ સામે આવી રહી હોવાના કારણે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. જેને લઈને છેલ્લાં ઘણા સમયથી તબીબોની માંગ પૂર્ણ કરવા અને સ્ટાફની કમીને પૂરી કરવા બાબતે રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે આ રજૂઆતો પૂર્ણ નહીં થતા અને સરકારનું અને તંત્રનું ધ્યાન દોરવા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા દ્વારા બિન રાજકીય ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ યોજાય તે પહેલા જ રાજકીય ખટપટ શરૂ થઈ ગઈ ચૂકી હતી અને આ કાર્યક્રમ માત્ર રાજકીય જસ ખાટવા માટે હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ધોરાજી શહેરમાં તબીબોની અને સ્ટાફની માંગપૂર્ણ કરવા માટે બિન રાજકીય ધરણા કાર્યક્રમ ધોરાજી શહેરમાં સામાજિક સંસ્થાઓને સામાજિક સંસ્થાના આગેવાનો સાથે રાખી અને ધોરાજીના જનતાના હિત માટે અને તેઓના લાભ માટે યોજવામાં આવ્યો હોય તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું.
લલિત વસોયાએ ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાને ફેંક્યો પડકાર: રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને માજી ધારાસભ્ય લલિત વસોયાએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, ધોરાજીની સરકારી હોસ્પિટલમાં 50% જેટલી જગ્યાઓ ખાલી પડી છે અને આ જગ્યાઓ ભરાય અને ધોરાજી સરકારી હોસ્ટેલમાં આવતા દર્દીઓને આરોગ્યનો લાભ મળે તે માટે અમે સૌ કોઈએ ધોરાજી શહેરમાં બિન રાજકીય ધરણાનો કાર્યક્રમ યોજેલ છે. આ સાથે વર્તમાન સમયના ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા પર પ્રહાર કરતા જણાવ્યું છે કે, પ્રથમ તેઓ પોતે સ્વીકારે છે કે સ્ટાફ અને ડોક્ટરની કમી છે અને બાદમાં આ કાર્યક્રમને રાજકીય ખાટવા માટે યોજવામાં આવી રહ્યો હોય તેવું જણાવે છે. આ અંગે અમોએ ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાને પણ પત્ર લખીને જણાવ્યું છે કે, આ ધોરાજીની પ્રજનો પ્રશ્ન છે અને આમાં સરકારનું ધ્યાન દોરવા માટે અમોએ ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે જેમાં આપ પણ પધારો તેવું જણાવેલ છે.
દર્દીઓએ ઈટીવી ભારતને જણાવી વ્યથા: ધોરાજી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીના પરિવારજન આશિષ જેઠવાએ ઈટીવી ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ તેમના પરિવારને કે કોઈ અન્ય વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવે છે, ત્યારે અહીંયા સાધનોની પૂરેપૂરી વ્યવસ્થા છે પરંતુ તબીબોની અછતના કારણે જુનાગઢ અથવા તો મોટા શહેરોમાં રિફર કરી દેવામાં આવે છે, જેને લઈને ભારે તકલીફ અને સમસ્યાનો સામનો કરવો પડે છે. અહીં જ્યારે તેઓ તેમના પરિવારને કે કોઈ અન્ય વ્યક્તિને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવે છે ત્યારે અહીંયા સાધનોની પૂરેપૂરી વ્યવસ્થા છે પરંતુ તબીબોની અછતના કારણે જુનાગઢ અથવા તો મોટા શહેરોમાં રિફર કરી દેવામાં આવે છે જેને લઈને ભારે તકલીફ અને સમસ્યાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત એવું પણ જણાવાયું છે કે અહીં તબીબોની કાયમી જગ્યાઓ પૂરી કરવામાં આવે અને સ્ટાફની કમીને પૂરી કરવામાં આવે તો લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે ને સ્થાનિક જગ્યા ઉપરથી જ તમામ સારવાર અને આરોગ્ય લક્ષી સેવા મળી જાય તે માટે સરકાર અને તંત્ર દ્વારા જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ તેવું જણાવ્યું છે.
શું કહે છે ધોરાજી સરકારી હોસ્પિ.ના અધિક્ષક: તો બીજી તરફ ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વસેટીયને ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં વર્ગ એકની બાર જગ્યાઓ છે, જેમાંથી ચાર જગ્યાઓ એટલે કે અધિક્ષક, પેથોલોજિસ્ટ અને બે એન એનેસ્થેટિક ભરેલ છે અને બાકીની ચાર મેજર જગ્યા એટલે કે, ગાયનેક, પીડીયાટ્રીક, ફિઝિશિયન અને ઓપથેલમિક સર્જનની જે જગ્યા છે તે જગ્યાઓ સી.એમ. સેતુ અંતર્ગત ભરાયેલી છે. અહીંયા ઓર્થોપેડિક સર્જન અને જનરલ સર્જન પ્રતિનિયુક્તિના દર અઠવાડિયામાં બે દિવસ ફરજ બજાવે છે આ ઉપરાંત માનસિક રોગના તબિયત દર મહિનામાં એક વખત બીજા ગુરૂવારે ફરજ બજાવે છે. આ ઉપરાંત વર્ગ બે મેડિકલ ઓફિસરનું કુલ ચાર જગ્યાઓ માંથી ત્રણ જગ્યાઓ ખાલી છે અને એક જગ્યા ભરાયેલ છે એટલે બે તબીબો રાજકોટથી પ્રતિનિયુક્તિના ધોરણે ફરજ બજાવે છે. અહીંયા વર્ગ બે ના તબીબોની જગ્યાઓ છેલ્લા છ માસથી ખાલી પડી છે જ્યારે વર્ગ એકની વર્તમાન સમયમાં જે ખાલી પડેલી જગ્યાઓ છે તે તો ઘણા સમયથી ખાલી જ પડી છે.