સુરત: સુરતમાં રહેતા શ્રમિકો માટે ઇન ટુકના પ્રમુખ તરીકે કાર્ય કરનાર નૈષધ દેસાઈને કોંગ્રેસ પાર્ટીએ નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. 22 જૂન 1956 ના દિવસે સ્વતંત્રતા માટે લડનાર કોંગ્રેસના નેતા ભુપત દેસાઈના ઘરે નૈષધ ભાઈનો જન્મ થયો હતો. તેઓના જો અભ્યાસની વાત કરીએ તો તેઓએ એલએલબી કર્યુ છે અને સેનેટ તેમજ સિન્ડિકેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ઈન ટુકના તેઓ ગુજરાતના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા છે અને પૂર્વ સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે: સુરત લોકસભા બેઠકના ઉમેદવાર રહી ચૂક્યા છે નૈષદ દેસાઈ તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે પરંતુ બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી. નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી તેમને તક આપી છે. જોકે વર્ષ 2014માં તેઓ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા અને ભાજપના દર્શના જરદોશ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમની હાર થઈ હતી. વર્ષ 2014માં દર્શના જરદોશને 7,18,412 મતો મળ્યા હતા. જ્યારે નૈષધ દેસાઈને 1.85,222 મતો મળ્યા હતા. અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. સુરત પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા.