ભાવનગર: જિલ્લાના વલભીપુર મામલતદાર કચેરીમાં જ મુંબઈના રહેવાસી અને મેડિકલની પ્રેક્ટિસ કરતા શખ્સને અગાઉ કરેલી ફરિયાદની દાઝમાં પાંચ વ્યક્તિઓએ ધોકા, પાઇપ અને સરકારી ખુરશીઓના હુમલાથી ઇજા પહોંચાડી હતી. ઘટના બાદ પીડિતે 5 વ્યક્તિઓ સામે વલભીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શુ બન્યો બનાવ મામલતદાર કચેરીમાં: મૂળ મુંબઈના નિવાસી અને મેડિકલની પ્રેક્ટિસ કરતા મહેશભાઈ દુર્ગાશંકર મહેતા 6 જુલાઇએ વલભીપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મુદ્દત હોવાથી આવ્યા હતા. ત્યારબાદ 7 તારીખે અમરેલીના ચાવંડ ત્યાતજીને ગઢડા થઈ વલભીપુર મામલતદારને પોતાની મોણપુર ગામે આવેલી જમીનમાં નક્ષત્ર વન બનાવવા માટેનું આમંત્રણ આપવા આવ્યા હતા. ત્યારબાદ પરત ફરતા સમયે મામલતદાર કચેરીમાં જ પાંચ શખ્સોએ છરી, પાઇપ અને ત્યાં પડેલી સરકારી ખુરશીઓથી મહેશભાઈ પર હુમલો કર્યો હતો અને ઇજા પહોંચાડી હતી. આ ઘટના બાદ મહેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં હરેશ ખુમાનસિંહ ડોડીયા, જીતેન્દ્રસિંહ હરિસિંહ ભાડલિયા, હાર્દિક અને બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાની વલભીપુર પોલીસ સ્ટેશનમાં મહેશ દુર્ગાશંકર મહેતાએ ફરિયાદ નોંધાવી છે.
હુમલાનું કારણ: ફરિયાદ કરનાર મહેશ દુર્ગાશંકર મહેતાએ જણાવ્યું હતું કે, 2013માં તેમના પાણવી ગામે મિલકતમાં તોડફોડ કરવાને મામલે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં સમાધાન ન કરવા છતાં પણ પુરસીસથી કેસ પૂરો થઈ ગયો હતો આથી તેમણે કેસને ફરી ઓપન કરવા માટે અરજી કરી હતી. જેની દાજ રાખીને પાણવીના વકીલ હરેશ ખુમાનસિંહ ડોડીયા અને તેની સાથે જીતેન્દ્રસિંહ હરિસિંહ ભાડલિયા, હાર્દિક અને અજાણ્યા બે શખ્સોએ આવીને હુમલો કર્યો હતો. જેમાં મારામારી દરમિયાન મહેશ દુર્ગાશંકર મહેતાની સાથે આવેલા તેના ભત્રીજા હરેશકુમાર સિંહ ડોડીયાને છરી વડે હાથમાં ઈજા થઈ હતી. જ્યારે અન્યએ ખુરશીથી મહેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને સરકારી મિલકતને નુકસાન પોહચાડ્યું હતું.
મામલતદારે શુ કહ્યુ: ભાવનગર જિલ્લાના વલભીપુર મામલતદાર કચેરીમાં બનેલા બનાવને લઈને મામલતદાર કનુભાઈ પરમારે જણાવ્યું કે, 'બપોરના સમયે હુમલાખોર શખ્સ આવ્યા હતા અને કચેરી બહારની ગેલેરીમાં મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સરકારની ત્રણ જેટલી ખુરશીઓ તૂટી ગઈ હતી. આ લોકોની ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ હતી પરંતુ નુકસાન સરકારની મિલકતને થયું છે. ઘટનાને રોકવા મેં પોલીસને બોલાવી હતી.'