રાજકોટઃ રાજકોટ જિલ્લામાં સિદસર બાદ હવે મા ઉમિયાનું ભવ્ય મંદિર કણકોટ ગામ નજીક જશવંતપુર ગામે આકાર લઈ રહ્યું છે. મંદિર ઉપરાંત સેવાશ્રમ, શૈક્ષણિક સંકુલના ત્રિવિધ કાર્યક્રમનું ખાતમુહૂર્ત આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.
સરકારના જણાવ્યાનુસાર, રૂપિયા 550 કરોડના આ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 2 એકર જગ્યામાં 50 કરોડનું મંદિર બનાવવામાં આવશે. આ માટે જશવંતપુર ગામે ન્યારી નદીના કાંઠે 32 વીઘા જમીનની ખરીદી પણ કરવામાં આવી છે. જ્યારે મંદિરની સામે અન્ય 10 એકર જમીન રાજ્ય સરકાર દ્બારા આપવામાં આવી છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્દ હસ્તે આજ રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકાના કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ કરેલ અટલ સ્માર્ટ સિટી સંકુલ સહિતના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા જુદા જુદા 56 પ્રકલ્પોના ખાતમુહૂર્ત, રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધિન આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના ઊઠજ-2 કેટેગરીના ખાલી 210 આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો તથા શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સી.એન.જી. ફ્યુઅલ આધારિત નવી બસ તથા ડ્રેનેજ વિભાગના ઉપયોગ માટે નવા ખરીદ કરવામાં આવેલા નવા જેટીંગ મશીન વાહનોનું લોકાર્પણ (ફ્લેગ ઑફ) કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસના કામોના ખાર્ત મુર્હત કરાયા
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના લોકાર્પણ-ખાતર્મુહૂત પ્રસંગે જનસેવાની પાછલા બે વર્ષમાં આપણી આ ડબલ એન્જીન સરકારે સેવા સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યબદ્ધ રહીને પુરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે. આ સરકારની સફળતા સૌના આશીર્વાદથી ગઈકાલે 2 વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુડ ગવર્નન્સ સરકારનો વિકાસ આગળ ધપતો રહેશે. ગુજરાતનું બજેટ વધાર્યું જેનાથી વિકાસ સતત વધતો રહે છે. એક જ દિવસમાં કરોડોના વિકાસના કામો અને એ પણ ક્વોલિટી કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવે છે. રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજકોટને જુદા જુદા વિકાસના કામો માટે મહત્તમ ગ્રાંટ ફાળવેલી છે. શહેરમાં ભવિષ્યમાં ઊભી થનાર જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે વર્ષ 2047 સુધીમાં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે.
1220 આવાસોનો ડ્રો થયો
તેમણે કહ્યું કે, સિટી ડેવલપમેન્ટ અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આપને વિકસિત ગુજરાત 2047 માટે સુંદર આયોજન કર્યું છે. રાજકોટ પણ તેમાનું એક શહેર છે. શહેરમાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાનું ઘર મળે તે માટે વડાપ્રધાને સંપૂર્ણ સુવિધા સાથેની પ્રધાનમંત્રી આવાસ યોજનાનું આયોજન કર્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 14 લાખ આવાસોના નિર્માણ સાથે દેશમાં પ્રથમ સ્થાને છે. એમાં પણ રાજકોટનો લાઈટ હાઉસ પ્રોજેક્ટ દેશનો આઇકોનિક અને નરેન્દ્ર મોદીનો પ્રિય પ્રોજેક્ટ છે. આજે રાજકોટમાં વધુ 1220 આવાસોનો ડ્રો થયો છે. લોકોને પોતાના સ્વપ્નાનું ઘરનો લાભ પ્રાપ્ત થવાનો છે તેવા સૌ લાભાર્થી ભાઈઓ-બહેનો સૌને શુભેચ્છાઓ પાઠવું છું.
22 સીએનજી બસથી જનતાને વધુ સુવિધા મળશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિક પરિવહન હળવું થાય તે માટે 22 નવી સી.એન.જી. બસના લોકાર્પણથી રાજકોટની જનતાને વધુ સારી પરિવહન સેવા મળશે. આજે દેશભરમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે. આપણે સ્વચ્છતાને અપનાવીએ, વૃક્ષો વાવીએ, વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અને ખરા અર્થમાં વિકસિત ભારતમાં સહયોગી બનીએ.
આ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું કે, સૌ પ્રથમ આજે જે લોકોને પોતાનું ઘરનું ઘર ડ્રો દ્વારા પ્રાપ્ત થવાનું છે. તેવા સૌ આવાસ યોજનાના લાભાર્થી ભાઈઓ-બહેનોને હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. દરેક મનુષ્ય માટે રોટી, કપડા અને મકાન આ ત્રણ પોતાના જીવનની મૂળભૂત જરૂરિયાત છે. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરીવાર માટે રાજકોટ શહેરમાં 33,000 આવાસોનું નિર્માણ કરી, જરૂરિયાતમંદ પરિવારોને તેની ફાળવણી કરવામાં આવી છે. આ ટાઉનશીપમાં મકાનની સાથોસાથ ગેસની તથા પાણીની પાઈપલાઈન, કોમ્યુનિટી હોલ, આંગણવાડી, બાલક્રીંડાગણ સહિતની અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવે છે.