ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠકમાં દેશના ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો પીએમ-આવાસ યોજનામાં બનાવવા માટે સહાય આપવાના ગરીબ હિતલક્ષી નિર્ણયને આવકારીને અભિનંદન પાઠવ્યાં છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ સતત ત્રીજી વાર દેશનું શાસન દાયિત્વ સંભાળ્યા બાદ આ પ્રથમ ગરીબ હિતલક્ષી નિર્ણય કરીને મોદી 3.0 કાર્યકાળમાં ગરીબ, વંચિત, શોષિત અને આવાસ વિહોણા જરૂરતમંદ પરિવારોને પાકા મકાનો આપવાની પ્રતિબદ્ધતાની દિશામાં પ્રથમ કદમ ભર્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશના ગરીબ પરિવારોને પાકું આવાસ છત્ર પૂરું પાડવા માટે વડાપ્રધાને 2015-16ના વર્ષથી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી તેની પણ પ્રસંશા કરી હતી.
સરકારનો દાવો છે કે, ભારત સરકારે આ યોજના અંતર્ગત છેલ્લાં 10 વર્ષમાં 4.21 કરોડ મકાનોનું નિર્માણ જરૂરતમંદ ગરીબ પરિવારો માટે કર્યું છે. એટલું જ નહિ, આ આવાસોમાં શૌચાલય, ગેસ કનેક્શન, વીજ કનેક્શન અને નળ કનેક્શન જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.