અમરેલી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું અમરેલીના આંગણે આગમન થયું હતું. અમરેલી એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલીના સાંસદ ભરત સુતરીયા તથા કૌશિક વેકરીયા, મહેશભાઈ કસવાલા તેમજ હીરાભાઈ સોલંકી સહિતના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. સવારે 9:00 વાગ્યાથી 12 વાગ્યા સુધી અમરેલી જિલ્લાના વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને અનાવરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
નાવલી નદી રિવરફ્રન્ટ : સૌપ્રથમ સીએમ પટેલ સાવરકુંડલા પહોંચ્યા, ત્યાં યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નાવલી નદી સુધી યોજાઈ અને મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા શહેર ખાતે નાવલી નદી રિવરફ્રન્ટ અને ભૂગર્ભ ગટર યોજના-2 નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 25 કરોડથી વધારેના ખર્ચે તૈયાર થનાર રિવરફ્રન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું.
ભગવાન બાપાની પ્રતિમાનું અનાવરણ : સાવરકુંડલા શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોના હામી એવા ભગવાન બાપા કચ્છ વાળાના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં અગ્રણી અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી.
સીએમ પટેલનો અમરેલી પ્રવાસ : બાદમાં માનવ મંદિર ખાતેથી અમૃતવેલ ગામ ખાતે ચાલી રહેલી જીગ્નેશ દાદા રાધે રાધે ની કથામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. માનવ મંદિર ખાતે મનોરોગી બહેનોની મુલાકાત લીધા બાદ માનવ મંદિર ખાતે ભક્તિરામ બાપુની મુલાકાત લીધી હતી. બાદમાં મુખ્યમંત્રી અમરેલી એરપોર્ટ ખાતે જવા રવાના થયા હતા.