ગાંધીનગર: ગુજરાતનો ત્રણ દિવસીય પ્રવાસ પૂર્ણ કરી પરત ફરતા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય આપી હતી.
અધિકારીઓએ મહાનુભાવોને વિદાયમાન આપ્યું: આ પ્રસંગે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને વિદાયમાન આપ્યું હતું.
વિદાય લેતા પહેલા ફર્યા હતા અમદાવાદ: ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેએ ગુજરાત મુલાકાત પૂર્ણ કરતા પહેલાં હેલિકોપ્ટરથી અમદાવાદ શહેરનું વિહંગાવલોકન કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદનો વિકાસ જોઈને મહાનુભાવો પ્રભાવિત થયા હતા. ઉપરાંત આજે સવારે વૈશ્વિક ફાઈનાન્સિયલ અને આઈ.ટી સર્વિસ હબ તરીકે વિકસી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક. સીટી-GIFT Cityની મુલાકાત લીધી હતી.