પોરબંદર: ખારવાવાડ અને સુભાષ નગરમાં રહેતા માછીમારોમાં છસો કણાની જાળ વાપરવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ સુભાષનગર 5 વિસ્તારના કેટલાક માછીમારો પીલાણું લઈ અસ્માવતી ઘાટ નજીકના બારામાં માછીમારી કરી રહ્યા હતા, તેવા સમયે ત્યાં માછીમારી કરવાની અન્ય કેટલાક માછીમારોએ છસો કણની જાળ વાપરવાની મનાઇ ફરમાવી હતી. જે બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થતા પથ્થરમારો થયો હતો.
સમગ્ર ઘટનામાં છ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલીક સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવા પડ્યા હતા. છસો કણની જાળ પ્રતિબંધિત છે ત્યારે આ જાળનો ઉપયોગ કરવામાં આવતા ખારવાવાળના દિપેશ રતન સોનેરીએ મનાઈ ફરમાવી હતી કે આ જાળ લઈને માછીમારી ન કરો ત્યારે સામા પક્ષે શામજી હરજી જેબર સાથે બોલાચાલી થતા મારામારી થઈ હતી.
દીપેશ રતનભાઇ સોનેરીએ સવજી ગગજી, દિપક કાનજી, રાહુલ સૂકા, પારસ નાનજી, જીજ્ઞેશ પવનિયા, ગોવિંદ શામજી, શામજી હરજી, દેવજી ભોવન ,વિવેક દિપક ,દીપક રામજી વિરુદ્ધ હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સામે પક્ષે શામજી હરજી જેબરે પણ દીપેશ રત્ના ઉમેશ રત્ના, જીતેન્દ્ર રત્ના, દીનેશ હીરાલાલ, જયેશ રત્ના, રમેશ રત્ના, લાલજી ધનજી, હિતેશ માવજી અને વિજય છગન સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બાબતે ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અધિકારી સહિતનો પોલીસ કાફલો સુભાષનગર ખાતે દોડી ગયો હતો. સુભાષનગર વિસ્તારમાંથી લોકોના ટોળા આ બાબતે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે પહોંચ્યા હતા. ફરિયાદ લઈ યોગ્ય કાર્યવાહી કરવા અંગે ખાતરી પોરબંદરના ડીવાય એસ.પી સુર્જિત મહેડુંએ આપી હતી.