છોટાઉદેપુર : ગુજરાતનો સરહદી જિલ્લો છોટાઉદેપુર, જેના કવાંટ તાલુકાના હાફેશ્વર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ તુરખેડા ગામ નર્મદા નદીના કિનારે અને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યની સરહદે સ્થિતિ છે. અહીં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અને પ્રકૃતિના ખોળે આદિવાસી સમાજના 120 જેટલા પરિવારો વર્ષોથી નિવાસ કરી રહ્યા છે.
વિકાસથી વંચિત 120 પરિવાર : પરંતુ તુરખેડા ગામના ઘીરમિટીયા આંબા ફળીયા, અને ડુબની ફળીયાના લોકોને રોડ રસ્તા, શિક્ષણ, આરોગ્ય જેવી બુનિયાદી સુવિધાઓ પણ નસીબમાં નથી. આ ગામ સુધી જવા માટેનો 7 કિલોમીટરનો રસ્તો હજી સુધી બન્યો જ નથી. આ ગામના બે ફળીયામાં શિક્ષણની કોઈ સુવિધા નહીં હોવાના કારણે અહીંના મોટા ભાગના લોકો નિરક્ષર છે. સાથે જ રોડ રસ્તાની સુવિધા નહીં હોવાના કારણે કોઈ બીમાર પડે તો ઝોળીમાં ઉંચકી સાત પર્વતો ચડી-ઉતરીને ખડલા સુધી પહોંચે, પછી વાહન મળે છે.
બલિદાન આપનાર મૂળનિવાસી તરસ્યા : છોટાઉદેપુર જિલ્લામાં સરદાર સરોવર ડેમમાં જમીન ગુમાવનાર આદિવાસી પરિવારોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમ બનીને તૈયાર થઈ ગયો અને તેનું પાણી ગુજરાતના છેક કચ્છ સુધીના વિસ્તાર સુધી પહોંચી રહ્યું છે. તેના કારણે ગુજરાતભરના ખેડૂતોને ફાયદો પણ થઈ રહ્યો છે. પરંતુ માં નર્મદાના દીકરા સમાન આદિવાસી સમાજના લોકોએ ગુજરાતને લીલુંછમ કરવામાં પોતાની મહામૂલી જમીન, જન્મભૂમિ ગુમાવી અને બલિદાન આપ્યું, એ જ બલિદાન આપનાર આદિવાસી પરિવારો આજે નર્મદા નદી કિનારે વસતા હોવા છતાં તરસ્યા રહે છે અને તેમણે અસરગ્રસ્તો વિસ્થાપિત ગણવામાં આવ્યા નથી.
નદી પાર કરતા બન્યા મગરનો શિકાર : નર્મદા નદીમાં હાલ પાણીનું સ્તર વધતા નર્મદા નદી કિનારે વસતા લોકોના ઘરની આજુબાજુ પાણી ફરી વળતા લોકો સંપર્ક વિહોણા બન્યા છે. આ વિસ્તારના લોકો લાકડાના તારાપા વડે પાણીમાંથી પસાર થઇ રહ્યા છે. પરંતુ થોડા દિવસ પહેલા એક મહિલા મગરનો શિકાર બનતા, હાલ તરાપાથી પણ પાણીમાંથી પસાર થવા ડરી રહ્યા છે.
માલિકીની જમીન ડૂબમાં ગઈ : છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ અને નર્મદા નદીના કિનારે વસેલા તુરખેડા ગામના બે ફળિયાના લોકોની માલિકીની ખેતીની જમીન સરદાર સરોવર ડેમના કારણે ડૂબમાં ગઈ છે. જેમાં ધીરમટીયા આંબાના 45 પરિવાર અને બુડણી ફળિયાના 75 પરિવાર એમ અંદાજે 120 જેટલા પરિવારોની જમીન ડૂબમાં ગઈ છે. હાલ આ બન્ને ફળિયા ડુબ ક્ષેત્રમાં આવતા ટાપુમાં પરિવર્તિત થયા છે. આ લોકોની સંસ્કૃતિ, આસ્થાના ધામ, મહામૂલી ખેતીની જમીન અને રહેણાક ઘરો સરદાર સરોવર ડેમમાં ડૂબમાં જતા આ પરિવારોની દયનીય સ્થિતિ છે.
મૂળનિવાસીઓની માંગ : તુરખેડા ગામના બંને ફળિયાના લોકો માંગ છે કે, "વિસ્તારની જમીન સંપાદિત કરો અને અસરગ્રસ્તનો લાભ આપો. રાજ્યપાલના 1973 ના પરિપત્ર મુજબ 1 છોકરાને નોકરી, જમીનના બદલે જમીન, ઘર માટે પ્લોટ આપો તથા અસરગ્રસ્તોની અન્ય માગણીઓ પૂર્ણ કરી, આરોગ્ય અને શિક્ષણ સહિતની સુવિધાઓ મળે તેવી સુવિધા આપો. તેમજ ટાપુના અસરગ્રસ્ત ગણી નર્મદાની પુનઃવર્સનની વસાહતોમાં વસાવવાની માંગ કરી રહ્યા છે.