છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના સરકારી ગોડાઉનમાં રેશનકાર્ડ ધારકોને આપવામાં માટે વિવિધ અનાજના જથ્થા રાખવામાં આવે છે, જેમાં તુવેર દાળનો પણ જથ્થો પણ આવ્યો હતો. કવાંટ અને નસવાડી ગોડાઉનમાં આવેલા તુવેર દાળના જથ્થાના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા. જે સેમ્પલ ફેલ થતા બંને તાલુકાના ગ્રાહકોને તુવેર દાળ વિના જ રહેવું પડશે.
તુવેરદાળના સેમ્પલ ફેલ : આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત અન્ન પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવે છે. કવાંટ અને નસવાડી સરકારી ગોડાઉનમાં રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવા માટે તુવેર દાળનો જથ્થો રાખવામાં આવ્યો હતો. આ દાળના સેમ્પલનું સરકારી લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં તુવેર દાળના સેમ્પલ ફેલ થતા તુવેરદાળના જથ્થો વિતરણ નહીં કરવામાં આવે તેવું ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું.
તુવેરદાળના સપ્લાયર કોણ ? આ અંગે જિલ્લા પુરવઠા મામલતદાર મનોહરસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, સરકારી ગોડાઉનમાં જે દાળ મોકલવામાં આવે છે તે નાફેડ કંપનીના સપ્લાયર દ્વારા મોકલવામાં આવે છે. જ્યારે દાળ ગોડાઉન પર આવે તેના સેમ્પલ લેવામાં આવે છે. અનાજ ખાવા લાયક છે કે નહીં તેના માટે ગુજરાત સરકારની એફ.આર.એલ. લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે.
જથ્થો રિપ્લેસ થશે : મનોહરસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, જો સેમ્પલ ફેલ થાય તો તેનું રિપ્લેસમેન્ટ થાય છે. હાલ કવાંટ અને નસવાડી ગોડાઉનની તુવેરદાળ ફેલ થઈ છે. માટે તેને વિતરણમાં નહીં મૂકી શકાય. આ દાળને રિપ્લેસ કરીશું અને ફરીથી દાળ આવશે તો તેનો ટેસ્ટ કરીને ફરીથી ગોડાઉનમાં મોકલીને વિતરણ કરવામાં આવશે.