ભૂજ: રાજ્યમાં એક જ જગ્યાએ 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવનારાં 14 જેટલા IPSની લોકસભા ચૂંટણીની આચાર સંહિતા પૂર્વે બદલી કરવામાં આવી ન હતી.ત્યારે આજે રાજ્યના 14 જેટલાં સિનિયર પોલીસ અધિકારીઓ પૈકીના 4 સહિત 35 IPS ઓફિસર્સની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
અગાઉ SP તરીકે બજાવી ચુક્યા છે ફરજ: ચૂંટણી પંચ દ્વારા 16 માર્ચે ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ થયાં બાદ ચૂંટણી પંચ દ્વારા આ IPSને તેમનો પદભાર છોડી દેવા આદેશ કર્યો હતો. છેલ્લાં એકાદ મહિનાથી તેઓ લીવ રીઝર્વમાં હતાં. ચૂંટણી પંચ સાથે ચર્ચા વિચારણા બાદ રાજ્યના ગૃહ વિભાગે આજે 35 IPS પોલીસ અધિકારીઓ પૈકી 20 અધિકારીની બઢતી સાથે કરેલી બદલીમાં લીવ રીઝર્વમાં રહેલાં કચ્છ બોર્ડર રેન્જના આઇજી જે.આર. મોથલીયા તેમજ અગાઉ પૂર્વ કચ્છમાં એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા ચિરાગ કોરડીયાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જે.આર.મોથલિયા હવે અમદાવાદ રેન્જ IGP: કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જના આઈજી જે.આર. મોથલિયાની બદલી કરવામાં આવી છે અને તેમને હવે અમદાવાદ રેન્જ આઈજી તરીકેનું પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.કચ્છ બોર્ડર રેન્જ આઇજી જે.આર. મોથલિયાની જગ્યાએ 2006ની બેચના IPS ચિરાગ મોહનભાઈ કોરડીયાની આઈજી તરીકે બઢતી સાથે કચ્છ બોર્ડર રેન્જ આઇજી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
પશ્ચિમ કચ્છ SP ને DIG તરીકે પ્રમોશન: ઉલ્લેખનીય છે કે, ચિરાગ કોરડીયા અગાઉ પણ પૂર્વ કચ્છમાં ફરજ બજાવી ચૂક્યાં છે. આ સાથે હાલમાં પશ્ચિમ કચ્છના એસપી તરીકે ફરજ બજાવી રહેલા મહેન્દ્ર બગરીયાની ડેપ્યુટી આઈજી તરીકે બઢતી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ એસપીની પોસ્ટને ડીઆઈજી તરીકે અપગ્રેડ કરવામાં આવી છે અને ભુજ ખાતે જ મહેન્દ્ર બગડીયાને DIG તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.