સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા સ્વ.રમેશચંદ્ર ભુરાભાઈ સંઘવીની સુરતના ઈન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઈન્સ ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. સદ્દગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચિર: શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
72 વર્ષીય સ્વ. રમેશચંદ્ર ચાર દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમણે ગત શનિવારે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વ. રમેશભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને લાંબા સમયથી નિવૃત્ત જીવન વિતાવવાની સાથે સાથે ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પ્રવૃત્ત હતા. તેમના પરિવારમાં પત્ની દેવીન્દ્રાબેન, પુત્ર હર્ષ સંઘવી, પુત્રવધૂ પ્રાચી સંઘવી, પૌત્ર આરુષ, પૌત્રી નિરવા તેમજ પુત્રીઓ નેહલ, કિંજલ, કાજલ અને હેનીબેન છે.
સદ્દગતની પ્રાર્થનાસભામાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત ધારાસભ્યો, મહાનુભાવો, સ્નેહી-પરિજનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.