છોટા ઉદેપુર : છોટા ઉદેપુર જિલ્લામાંથી અનેક યુવાનો સેનામાં ભરતી થઈ દેશની સીમાઓ પર સેવા બજાવી દેશની રક્ષા કરી રહ્યા છે, તેમજ દેશની સેવા કરી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફરીને પણ પૂર્વ સૈનિકો સમાજની સેવાની પ્રવૃતિઓ તેઓ હંમેશા અગ્રેસર રહ્યાં છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના બારાવાડ ગામના વધુ એક જવાન દેશ અને વિદેશમાં ઓનરરી કેપ્ટન તરીકેની ફરજમાંથી નિવૃત્ત થઈ માદરે વતન પરત ફર્યાં હતાં. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
હું વર્ષ 1996માં સેનામાં ભરતી થયો. એ બાદ મને સાત વાર પ્રમોશન મળ્યું. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજ્ય સહિત ગ્લેસીયર, ભૂતાન જેવા બીજા દેશોમાં સેવા કરી છે. 28 વર્ષ સુધી ફરજ બનાવી દેશની સેવા કરવાનો મોકો મળ્યો એ મારું અહોભાગ્ય છે, 28 વર્ષ દેશની સેવા કર્યાં બાદ કલકત્તા ખાતેથી ઓનરરી કેપ્ટનના બે સ્ટાર સાથે હું નિવૃત્ત થઈ આજે માદરે વતન પરત ફર્યો છું અને સમાજ દ્વારા મારુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે એ પણ મારું સદભાગ્ય છે... મહેશ રાઠવા (ઓનરરી કેપ્ટન, ભારતીય સેના )
રેલવે સ્ટેશને ભવ્ય સ્વાગત : બારાવાડ ગામના સામાન્ય પરિવારમાં જન્મેલા મહેશ રાઠવા વર્ષ 1996માં સેનામાં ભરતી થયાં હતાં. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજ્ય સહિત, અને ગ્લેસિયર, ભૂતાન જેવા દેશમાં આર્મીમાં સેવા બજાવી 28 વર્ષ સુધી દેશની સેવા કરી 29 ફેબ્રુંઆરી 2014ના રોજ કલકત્તાથી નિવૃત્ત થઈ, રવિવારે ટ્રેન મારફતે જેતપુર રેલવેે સ્ટેશન ખાતે આવી પહોંચતા પરિવારજનો, સગા સંબધીઓ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જિલ્લાના 1000થી વધુ જવાનો સેનામાં ભરતી : ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર જિલ્લામાં 1000થી વધુ જવાનો સેનામાં ભરતી થયાં છે, જેમાંથી 300થી વધુ જવાનો નિવૃત્ત થયાં છે. તો 700થી વધુ જવાનો સમાજ અને પરિવારથી દૂર રહી ભારતીય લશ્કરમાં વિવિધ પોસ્ટ પર ફરજ બજાવી દેશની રક્ષા કરી રહ્યા છે. એ ગૌરવની વાત ગણી શકાય છે, પરંતુ એથી ગૌરવની વાત એ છે કે, છોટા ઉદેપુર જિલ્લાના સેનામાં ફરજ બજાવતા હજારથી વધુ સૈનિકોમાં સાત રેન્કનું પ્રમોશન મેળવી બે સ્ટારની ઓનરરી કેપ્ટન પોસ્ટ પરથી મહેશભાઈ રાઠવા નિવૃત્ત થયા છે.