છોટાઉદેપુર: હાલ કળકડતી ઠંડીમાં શાકભાજીનો લોકો ભરપૂર ઉપયોગ કરતાં હોય છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં લોકોએ શાકભાજીનું વાવેતર કર્યું છે. બજારમાં વેચાતા રીંગણનો ભાવ પ્રતિ કિલો 40 થી 60 ચાલે છે, એમાં પણ કાબર ચિત્રા દેશી રીંગણની ભારે માંગ હોય છે, ત્યારે ખેડૂતોને પ્રતિ મણના માત્ર રૂપિયા 40 મળે છે. વેપારીઓ માત્ર 40 રૂપિયામાં ખેડૂતો પાસે 20 કિલો રીંગણ ખરીદે છે અને 800 રૂપિયામાં વેચાણ કરી 760 રૂપિયાનો નફો મેળવે છે, જેથી ખેડૂતો પશુઓને રીંગણ ખવડાવવા મજબુર બન્યા છે.
દેશી રીંગણનું છૂટક વેચાણ: છોટાઉદેપુરના વાંકી ગામે શાકભાજીનો વેપાર કરતાં મેહુલભાઈ જણાવે છે કે, 'શિયાળામાં રીંગણ અને મેથીનું ખાસ વેચાણ થતું હોય છે અને હાલ અમે દેશી રીંગણ 700 રૂપિયે પ્રતિ મણ ખરીદી 800 રૂપિયામાં છૂટક વેચાણ કરીયે છીએ.'
20 કિલો રીંગણના માત્ર 40 રૂપિયા ભાવ મળ્યા: બોડેલી તાલુકાના શિવજીપુરા ગામના મહિલા ખેડૂત હંસાબેન રાઠવાએ પોતાના ખેતરમાં કાબર ચિત્રા રીંગણની ખેતી કરી છે. તેઓ પોતના રીંગણને વડોદરા શાક માર્કેટમાં વેચાણ કરતા 20 કિલો રીંગણના માત્ર 40 રૂપિયા ભાવ મળ્યો હતો. 20 કિલો રીંગણને પ્લાસ્ટિકની થેલીમાં પાર્સલ કરવાનો 20 રૂપિયા ખર્ચ થાય છે, વાહન ભાડુ 50 રૂપિયા લાગે છે, જેથી પ્રતિ મણ 30 રૂપિયાની ખોટ જતાં ઉભા રીંગણના પાકમાં પશુઓ ચરવા છોડી દીધા છે.
વેપારીઓ 1160 રૂપિયાનો તગડો નફો કમાય: બામરોલી ગામના ખેડૂત અને બિયારણના વેપારી સુખદેવભાઈ કોલી Etv bharat સાથે વાત કરતાં જણાવે છે કે, હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો રીંગણ ખાવાનું વધારે પસંદ કરતાં હોય છે, ઘણા ખેડૂતો રીંગણની ખેતી કરે છે, ત્યારે લોકો રીંગણ ખાવા ખરીદી કરે છે, ત્યારે 60 રૂપિયે એક કિલો એટલે 1200 રૂપિયે એક મણ રીંગણનો ભાવ થયો, અને વેપારીઓ માત્ર 40 રૂપિયાના ભાવે રીંગણ પડાવી લે છે, અને 1160 રૂપિયાનો તગડો નફો કમાય છે. ખેડૂત ખાતર, દવા, પાણી અને મહેનત કરી 20 કિલો રીંગણનું પાર્સલ કરવા 20 રૂપિયાની બેગ, એક પાર્સલ વડોદરા માર્કેટમાં મોકલવાનો 50 રૂપિયા ખર્ચ આમ 70 રૂપિયાનો ખર્ચ કરે અને 40 રૂપિયાનો રીંગણનો ભાવ મળે તો ખેડૂતને 30 રૂપિયાની ખોટ જાય, હાલ બજારમાં વેચાતા તમામ શાકભાજીનો તગડો ભાવ લેવાય છે, પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી.'
આ પણ વાંચો: