વડોદરા : સમગ્ર ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસને કારણે બાળકોના મોત થઈ રહ્યું છે. જેથી આરોગ્ય તંત્ર ચિંતાતુર બન્યું છે. વડોદરા જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળ્યા છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં દાખલ 7 કેસમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે.
ચાંદીપુરા વાયરસથી ચાર મોત : વડોદરા જિલ્લામાં કુલ 7 કેસ નોંધાયા છે, જેમાંથી 4 દર્દીના મૃત્યુ થયા છે. હાલમાં 3 બાળક સારવાર હેઠળ છે. જે પૈકી 2 બાળકની તબિયતમાં સુધારો આવતા તેને પીડિયાટ્રિક વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે એક બાળક ICU માં સારવાર હેઠળ છે. શંકાસ્પદ તમામ કેસના નમૂના પરીક્ષણ અર્થે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
શું છે ચાંદીપુરા વાયરસ ?
આ એક RNA વાયરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજનો (એન્સેફાલીટીસ) શિકાર થાય છે. આ વાયરસના ફેલાવવા માટે સેન્ડફ્લાય (માખી) જવાબદાર છે. આ વાયરસ 9 માસથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે.
ચાંદીપુરા વાયરસના લક્ષણો : ચાંદીપુર વાયરસના મુખ્ય લક્ષણોમાં બાળકને સખત તાવ આવવો, ઝાડા અને ઉલટી થવા, ખેંચ આવવી તથા અર્ધબેભાન કે બેભાન થવુ સામેલ છે.
ચાંદીપુરા વાયરસથી બચવા શું કરવું ?
- બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં(ધૂળમાં) રમવા દેવા નહીં.
- બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.
- સેન્ડ ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહાર દિવાલની તિરાડો અને છિદ્રોને પુરાવી દેવા.
- મચ્છર-માખીનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
આરોગ્ય તંત્ર દોડતું થયું : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમીક્ષા કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ બેઠકમાં મુખ્યમંત્રીએ રોગ અટકાયત માટે મેલેથીયન પાવડર દ્વારા ડસ્ટિંગ માટે ડ્રાઇવ હાથ ધરવા તેમજ કોઈ પણ પ્રકારના તાવના કિસ્સામાં તાત્કાલિક સઘન સારવાર અપાય તે બાબત સુનિશ્ચિત કરવા બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યમાં 15 મોત : જાણવા મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 15 ઉપરાંત બાળકો ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ હેઠળ મોતને ભેટ્યા છે. જ્યારે અન્ય બાળકોના સેમ્પલ પૂના ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાળદર્દીઓ મહાનગરોની હોસ્પિટલોમાં આવી રહ્યા છે.