જામનગર: જિલ્લાના ધ્રોલની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા શંકાસ્પદ બાળદર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતુ. ગઈકાલે મંગળવારે જીજી હોસ્પીટલમાં બાળ વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ હતી. જેનું આજે વહેલી સવારે ટુંકી સારવાર બાદ હોસ્પીટલમાં મોત થયું હતુ. ગંભીર હાલતમાં હોસ્પીટલમાં આવતા ધ્રોલની 4 વર્ષીય બાળદર્દીને બાળ વિભાગમાં વેન્ટીલેટર પર સારવાર માટે ખસેડવામાં આવી હતી.
બાળકીનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત: etv ભારત સાથે ટેલીફોનીક વાત કરતા જીજી હોસ્પિટલના અધિક્ષક દીપક તિવારીએ જણાવ્યું કે, બાળ દર્દીનો હજુ રિપોર્ટ આવ્યો નથી. ઉપરાંત હજુ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હવે રિપોર્ટ આવ્યા બાદ સાચો ખ્યાલ આવશે. તમને જણાવી દઈએ કે, ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા બાળકીના સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવે તે પહેલા જ બાળકીનું હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
બાળકનો રીપોર્ટ પોઝીટીવ: હાલારમાં શંકાસ્પદ ચાંદીપુરામાં કુલ 8 બાળકોનો મોત થયા છે. જૈ પૈકી માત્ર એક જ બાળક ચાંદીપુરા પોઝીટીવ છે. જામનગર અને દેવભુમિ દ્રારકા હાલારના બંન્ને જીલ્લામાં છેલ્લા 3 સપ્તાહમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 14 કેસ નોંધાયા છે, પરંતુ જે પૈકી માત્ર બે બાળકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલ સુધીમાં કુલ 8 બાળકોનો સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા બાળકો પૈકી માત્ર એક બાળકનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતો.
3 બાળદર્દીઓની તબીયત સુધારતા હોસ્પીટલમાંથી રજા: અન્ય 5 બાળદર્દીઓ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. 2 બાળદર્દીના રીપોર્ટ હાલ બાકી છે. ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ દર્દી અને એક પોઝીટીવ દર્દી એમ કુલ 3 દર્દીઓ સારવાર હેઠળ છે. અન્ય 3 બાળદર્દીઓની તબીયત સુધારતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. 13 જુલાઈથી શંકાસ્પદ ચાંદીપુરાના દર્દીઓ કુલ 14 નોંધાયા છે.
દર્દીઓના સારવાર દરમિયાન મોત: જામનગર શહેર વિસ્તારમાં 2 દર્દીઓ, ગ્રામ્ય વિસ્તારના 8 દર્દીઓ અને દેવભુમિ દ્રારકા જિલ્લાના 4 દર્દીઓ નોંધાયા છે. જૈ પૈકી શહેરી વિસ્તારના બંન્ને દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારના 8 બાળદર્દીઓમાંથી 3 દર્દીઓના મોત થયા છે. દેવભુમિ દ્રારકા જિલ્લાના 4 દર્દીઓ પૈકી 2 દર્દીઓના મોત થયા છે.
હાલ બે બાળદર્દીઓ સારવાર હેઠળ: હાલ સુધી 14 પૈકી માત્ર 2 દર્દીઓ ચાંદીપુરા રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જે જામનગરના કાલાવડ તાલુકાના નિકાવા ગામની બે વર્ષીય બાળકી રાજકોટ હોસ્પીટલમાં 17 તારીખથી વેન્ટીલેટરમાં સારવાર હેઠળ છે. અને જામનગરની જીજી હોસ્પીટલમાં હાલ બે બાળદર્દીઓ સારવાર હેઠળ છે.