જુનાગઢ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી લઈને આજે પ્રથમ વખત જૂનાગઢ મનપાના 15 વોર્ડમાં સફાઈ કામગીરી સાથે જોડાયેલા મહિલા અને પુરુષ સફાઈ કર્મીને શ્રેષ્ઠ સફાઈ કરવા માટે આજે રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરાયા હતા. આગામી દિવસોમાં સફાઈને યુદ્ધના ધોરણે શરૂ કરીને કોઈ પણ વ્યક્તિ સફાઈમાં બાધારૂપ બનશે અથવા તો ગંદકી કરવાના કસૂરવાર સાબિત થશે આવા પ્રત્યેક વ્યક્તિ સામે કોર્પોરેશન દંડનાત્મક કાર્યવાહી કરવા પણ જઈ રહી છે. જેથી યોગ્ય દિશામાં સફાઈ થઈ શકે અને જુનાગઢ સ્વચ્છ જુનાગઢ બને તેવો પ્રયાસ આજે શરૂ થયો છે.
સફાઈ કર્મીઓને ઇનામથી પ્રોત્સાહિત કરાયા
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યાથી લઈને આજ દિન સુધી સફાઈકર્મી ને તેમના વોર્ડમાં સફાઈ માટે રોકડ ઇનામથી પ્રોત્સાહિત કરવાનો પ્રથમ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ સાથે જોડાયેલા મહિલા અને પુરુષ સફાઈ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુદાનમાંથી તમામ 15 વોર્ડમાં એક સફાઈ કર્મચારીને રોકડ 10,000 રૂપિયાનું ઇનામ આપીને સફાઈ પ્રત્યે તેમની પ્રતિબધ્ધતાને બિરદાવવામાં આવી હતી. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડમાં પાછલા ત્રણ મહિના દરમિયાન સફાઈની શ્રેષ્ઠ કામગીરી અને સફાઈના રાજદૂત બનેલા 45 જેટલા મહીલા અને પુરુષ સફાઈ કર્મીઓને આજે કમિશનર અને જૂનાગઢના પૂર્વ મેયર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનરનો પ્રતિભાવ
જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આજે સફાઈ કર્મીઓને પ્રોત્સાહિત ઇનામ આપીને તેમની સફાઈ પ્રત્યેની સેવાને બિરદાવવામાં આવી હતી. વધુમાં આગામી દિવસોમાં જુનાગઢ સ્વચ્છ બને તે માટે સફાઈની દિશામાં ઉત્તરોત્તર વધુ કામ થતું જોવા મળશે જેમાં કોઈ પણ જુનાગઢ વાસી કે જે જાહેર સ્થળોની સફાઈ થઈ ગયા બાદ ત્યાં કચરો ઠાલવતો જોવા મળશે આવી પરિસ્થિતિમાં તેમને ત્રણ વારની ચેતવણી આપ્યા બાદ સફાઈ કર્મચારી અને વોર્ડના ઇન્સ્પેક્ટર જે તે વ્યક્તિ કે મિલકત ધારકને દંડ કરવા સુધીની સત્તા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને આપી છે. જેથી એક વખત સફાઈ થઈ ગયા બાદ ફરી બીજી વખત ત્યાં કચરાનો ઉપદ્રવ આગળ વધતો અટકે વધુમાં પ્રત્યેક લોકોને ભીનો અને સૂકો કચરો ઘરમાં અલગ રાખી શકાય તે માટે કોર્પોરેશનને વિનામૂલ્ય બે કચરાપેટી પણ આપી છે. જેથી પ્રત્યેક ઘરમાંથી ભીનો અને સૂકો કચરો અલગ રીતે કચરાની ગાડીમાં આવે. જેથી કચરાનો નિકાલ કરવો પણ ખુબ સરળ બની જાય આ પ્રકારના સફાઈના પગલાઓ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને શરૂ કર્યા છે.
એવોર્ડ વિજેતા સફાઈ કર્મીનો પ્રતિભાવ
પાછલા 20 વર્ષથી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈકર્મી તરીકે કામ કરતા સવજી ટિમાલીયાએ તેમના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ જોશીપરા મ્યુનિસિપલ બરો હતી ત્યારથી સફાઈ કર્મી તરીકે કામ કરે છે. આજે સફાઈકર્મી તરીકે તેમને 20 વર્ષ કરતા પણ વધુ સમય વીતી ચૂક્યો છે. પ્રથમ વખત સન્માન મળતા તેઓ ગર્વની લાગણી અનુભવે છે અને આ જ રીતે જુનાગઢ સ્વચ્છ રહે અને સ્વચ્છતામાં ઉત્તરોત્તર વધારો થાય તે માટેના પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવશે. તો અન્ય એક સફાઈ કામદાર મનસુખભાઈ પણ છેલ્લા 12 વર્ષથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મી તરીકે સેવાઓ આપી રહ્યા છે. શહેરને સ્વચ્છ રાખવું લોકોને કચરો ન કરવા સમજાવવા ખુબ મુશ્કેલ છે. તેમ છતાં ધીરજ સાથે કામ કરીને વોર્ડમાં પ્રત્યેક વ્યક્તિને કચરો ન કરવો તે પ્રકારની સમજણ આપીને સમયસર કચરાનું નિરાકરણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે. મનપાએ ઇનામ આપીને અમને પ્રોત્સાહિત કર્યા છે. તેથી અમારો સમગ્ર પરિવાર ખૂબ જ ખુશ છે.