કચ્છઃ ભારતમાં અતિ દુર્લભ તથા ગુજરાતમાં માત્ર કચ્છ જિલ્લામાં જ જોવા મળતા કેરેકલ જેને સ્થાનિક ભાષામાં હેણોતરોના નામે ઓળખવામાં આવે છે. તેના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે ભુજ તાલુકાના ચાડવા રખાલમાં કેરેકલ પ્રજનન અને સંરક્ષણ વિસ્તાર તરીકે વ્યવસ્થાપિત કરવામાં આવશે. તો આ હેણોતરો પ્રાણી દેખાવે કેવો હોય છે? શું તેની વિશેષતા અને સ્વભાવ જાણો રસપ્રદ વિગતો...
4900 હેક્ટર જમીનનો કબ્જો રાજ પરિવારે વનવિભાગને સોંપ્યો
કચ્છમાં અનેક પ્રાકૃતિક ધરોહર આવેલી છે જે પૈકીની એક સમા આ ચાડવા રખાલ કે જે ભુજ તાલુકાના સામત્રા ગામ પાસે આવેલું છે ત્યાં 4900 હેક્ટર જમીનનો કબ્જો કચ્છના પૂર્વ રાજવી પરિવાર પાસે હતો. જે હવે રાજ્ય સરકારના વનવિભાગ પાસે છે. ચાડવા રખાલ વિસ્તારમાં હેણોતરો બ્રિડીંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવા 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં કેરેકલ (હેણોતરો) ઉપરાંત દીપડા, મગર, ચિંકારા, ઘોર ખોદીયું, શિયાળ જેવા 28 જેટલા સસ્તન, 28 જેટલા સરિસૃપ અને 242 જેટલા વિહંગ પ્રજાતિ મળી કુલ 296 જેટલી પ્રજાતિની પ્રાણી અને જૈવ વિવિધતા જોવા મળે છે. તો સાથે જ આ વન વગડામાં 243 જેટલી પ્રજાતિની વનસ્પતિ વૈવિધ્યતા પણ જોવા મળે છે.
હેણોતરો વિશે માહિતી
હેણોતરો પ્રાણીની વાત કરવામાં આવે તો આ પ્રાણી ખૂબ જ રૂપાળું, મધ્યમ ઊંચાઈ ધરાવતું બિલાડી કુળનું પ્રાણી છે. જેનું સરેરાશ આયુષ્ય 12થી 17 વર્ષનું છે, વજન 15થી 20 કિલો જેટલું હોય છે. હેણોતરો 80 કીમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેની લંબાઈ 1.6 ફૂટ જેટલી તો ઊંચાઈ 2.5 ફૂટ જેટલી હોય છે. માદા હેણોતરોનું ગર્ભાધાન સમય 75થી 79 દિવસ હોય છે. ઘાસમાં ચરતાં પક્ષીઓનાં ટોળાંમાંથી કેટલાંક પક્ષીઓ તથા હરણના કદના નાનાં પ્રાણીઓનો શિકાર કરવામાં હેણોતરો સક્ષમ હોય છે. આમ તો આ પ્રાણીનું મુખ્ય ખોરાક કૃતંકો એટલે કે ઉંદર જેવા પ્રાણી, પક્ષીઓ તથા સસલાં છે.
શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે જે ભાગ્યે જ જોવા મળે
હેણોતરો ખૂબ શરમાળ પ્રકૃતિનું પ્રાણી છે જે ભાગ્યે જ જોવા મળતું હોય છે. મુખ્યત્વે આ પ્રાણી ઘાસિયા-શુષ્ક અર્ધશુષ્ક ઝાંખરાવાળાં જંગલોમાં રેહતું હોય છે. હેણોતરો વર્ષમાં એક વાર પ્રજનન કરતું હોઈ, માદા સામાન્ય રીતે 2થી 6 જેટલા બચ્ચાંને જન્મ આપે છે. પરંતુ તેની કોઈ ચોક્કસ પ્રજનન ૠતુ હોતી નથી. હેણોતરો પ્રાણીનું બચ્ચું નાનું હોય ત્યારે તેને સહેલાઈથી તાલીમ આપી શકાય છે. કચ્છના નારાયણ સરોવર અભયારણ્ય, કચ્છના મોટા અને નાના રણમાં તેમજ બન્નીમાં ઘાસિયા વિસ્તારમાં જોવા મળે છે.
10 ફૂટ સુધી કૂદકો મારી શકે છે
હેણોતરો બિલાડીના કુળનું પ્રાણી છે, જે 10 ફૂટ સુધી કૂદકો મારી શિકારને નથી છોડતું, તે હવે રાષ્ટ્રીયસ્તરે લુપ્તપ્રાય વન્યજીવની અનુસૂચિમાં મુકવામાં આવ્યું છે. હેણોતરો ગુજરાતમાં માત્ર કચ્છમાં જ બચ્યા છે. રાજય વનવિભાગ દ્વારા વર્ષ 2016ની વસ્તીગણતરીમાં કચ્છમાં માત્ર 9 જ હેણોતરા હોવાનો આંકડો સામે આવ્યો હતો.
વન્યજીવ સંરક્ષણ અધિનિયમન 1972 હેઠળ અનુસૂચિ 1 માં
ઉલ્લેખનીય છે કે, હેણોતરાને વન્યજીવ સંરક્ષણ અધિનિયમન 1972 હેઠળ અનુસૂચિ 1 માં મુકવામાં આવ્યો છે. તેમજ આંતરરાષ્ટ્રીયસ્તરે IUCN રેડલિસ્ટ મુજબ તે લિસ્ટ કન્સર્ન એટલે ઓછી ચિંતાના વિષયમાં છે. દિવસે દિવસે હેણોતરાના ઘટી રહેલા નિવાસસ્થાનના કારણે હવે તે લુપ્તપ્રાય પ્રાણી તરીકે જાહેર કરવામાં આવ્યું છે.