ગાંધીનગર: ગુજરાતમાં ફરી એક આંદોલનના એંધાણ મંડાયા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ ઉમેદવારો મેદાને ઉતર્યા છે. ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે.
ઉમેદવારોની પોલીસે કરી અટકાયત: પોલીસ ધરપકડ દરમિયાન ઉમેદવારો સાથે અમનવીય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. ઉમેદવારોએ જણાવ્યું કે, પોલીસ દ્વારા સવારે અમાનવીય રીતે ઉમેદવારોને અટકાયત કરવામાં આવી હતી. આ અટકાયત દરમિયાન એક ઉમેદવારને ગંભીર ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેઓ સેન્ટ્રલ ગાર્ડન ખાતે સરકાર વિરોધી નારાબાજી અને પ્રદર્શન કરી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં આ ઉમેદવારોને સત્યાગ્રહ સાવણી ખાતે ખસેડવામાં આવ્યા છે.
CBRT પધ્ધતિનો ઉમેદવારોએ કર્યો વિરોધ: ઉમેદવારોએ ગાંધીનગર રામકથા મેદાન ખાતે આંદોલન કર્યા બાદ રાતવાસો પણ રામકથા મેદાનમાં જ કર્યો હતો. જોકે વહેલી સવારે ઉમેદવારોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, હાલ બપોરેના સમયે ઉમેદવારો ગાંધીનગર સેન્ટ્રવિસ્ટા ખાતે વિરોધ કરવા એકઠા થયાં છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો ભરતીને લઈ વિરોધ કરી રહ્યા છે. જેમાં ખાસ કરી ભરતી પ્રક્રિયામાં CRBT પધ્ધતિનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. આ સાથે મેરીટ લિસ્ટમાં ગુણ દર્શાવવાની પણ ઉમેદવારો માંગ કરી રહ્યા છે.
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ બાદ ઉમેદવારોમાં રોષ: ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફોરેસ્ટનાં દરેક ઉમેદવારની માંગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા. નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવાની માંગણી ઉમેદવારોએ કરી છે. જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે?
CBRT પરીક્ષા દરમિયાન ટેક્નિકલ ખામી: CBRT પરીક્ષા દરમિયાન અગણિતવાર ટેકનિકલ ખામી આવેલ છે. જેથી ઉમેદવારને સમયનું નુકશાન થાય જ છે. પરંતુ તેની સાથે ઉમેદવારને ટેકનિકલ ખામીને કારણે મોરલ પણ ડાઉન થઈ જતું હોઈ છે. અને નિરાશ થઈ જતા હોય છે. જેથી નિયત કરેલ સમયમાં દરેક પ્રશ્નને ન્યાય નથી આપી શકતા. દરેક ઉમેદવારનું માનવું છે કે, સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અમે સમાન અવસરની હોઈ શકે છે. હા અમે એ પણ માનીએ છીએ કે, સિંગલ પેપર પદ્ધતિમાં ઘણા છીંડા હોઈ શકે છે પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધપાઠ લઈને આ છીંડા પૂરીને ફૂલ પ્રૂફસિસ્ટમ વિકસાવી શકાય છે.