છોટા ઉદેપુર: આજે ચૈત્રી નવરાત્રીની દુર્ગાઅષ્ટમીનાં શુભ મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસનાં ઉમેદવારોએ એક જ દિવસે ફોર્મ ભરવાનું નક્કી કરતાં, છોટા ઉદેપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કૉંગ્રેસનાં ઉમેદવાર સુખરામ રાઠવાએ જાહેર સમર્થનમાં જીલ્લા ચુંટણી કાર્યાલય ખાતે જાહેર સભા સંબોધી હતી, જેમાં ગુજરાત કોંગ્રસ ઇલેક્શન મેનેજમેન્ટનાં અધ્યક્ષ જગદીશ ઠાકોર અને કૉંગ્રેસ મધ્ય ઝોનના પ્રભારી ઉષા નાયડુ ઉપસ્થિત રહ્યા હતા. એ બાદ સભા સ્થળેથી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
વાજતે ગાજતે રેલી યોજી: ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જશુભાઇ રાઠવાનાં સમર્થનમાં જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે આદિજાતિ અને કૃષિ કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાનાં અધ્યક્ષ સ્થાને જાહેર સભા યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીનાં જીલ્લા કાર્યાલયથી ઢોલ માંદલ સાથે વાજતે ગાજતે રેલી યોજી અને જીલ્લા કલેકટર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું હતું.
આદિવાસી વાદ્ય સંગીતનાં સાધનો સાથે ઉમેદવારી: છોટા ઉદેપુર લોકસભા બેઠક પર આજે ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર જશુભાઇ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે તો ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર સુખરામ રાઠવાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસનાં ઉમેદવારી પત્ર ભરવા આદિવાસી વાદ્ય સંગીતનાં સાધનો સાથે જીલ્લા સેવા સદન આવી પહોંચતા વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
6લાખ મતોની લીડ થી જીત: કેન્દ્રીય આદિજાતિ અને કૃષિ મંત્રી અર્જુન મુંડા મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી પાર્ટી છે અને જશુભાઇ રાઠવા 6લાખ મતોની લીડ થી જીત મેળવશે.
આજે આઠમનુ શુભ મહૂર્ત: કોંગ્રસના ઉમેદવાર સુખરામ રાઠવા etv Bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે આઠમનાં શુભ મહૂર્તમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી છે અને છોટા ઉદેપુર લોકસભા બેઠક પર જીતનો આશાવાદ વ્યકત કર્યો છે.