કચ્છ: શહેરની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ પક્ષના કાર્યકરો સાથે પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે અને વિવિધ મુદ્દાઓ સાથે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કચ્છ લોકસભા બેઠક માટે માત્ર 55 ટકા જેટલું જ મતદાન થયું હતું. માટે આ વખતે મતદાનનું પ્રમાણ વધે તે માટે રાજકીય પક્ષો પણ પ્રયત્નો કરી રહ્યા છે.
ભાજપ દ્વારા ઘર ઘર લોકસંપર્ક: કચ્છ લોકસભા બેઠક માટે કચ્છ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદે etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે," હાલમાં ઉમેદવાર સાથે મળીને પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ઘર ઘર લોકસંપર્ક કરવામાં આવી રહ્યું છે તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મેળવનાર લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને વિકાસના કામોને લઈને તેમજ વિશ્વાસ અપાવીને લોકો વધારેમાં વધારે મતદાન કરે તેના માટે અપીલ કરવામાં આવી રહી છે."
જિલ્લા ભાજપ તેમજ ભાજપના યુવા મોરચાની બેઠકોમાં રણનીતિ: "કચ્છ લોકસભા બેઠક માટેના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા હાલ બે દિવસ માટે પાર્ટીના અન્ય કાર્યો માટે સૌરાષ્ટ્ર ખાતે રોકાયેલા છે. વિનોદભાઈ ચાવડા સાથે મળીને જિલ્લાના દસે દસ તાલુકાઓમાં પાર્ટીના પ્રચાર પ્રસારના ભાગરૂપે પ્રજા સમક્ષ જઈને લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે તેમજ મતદાન જાગૃતિ અંગે લોકોને સમજ આપવામાં આવી રહી છે અને પોતાના કિંમતી મતનો ઉપયોગ કરીને દેશના વિકાસમાં ફાળો આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે તો સાથે જ કચ્છ જિલ્લા ભાજપની બેઠકો, યુવા મોરચાની બેઠકો યોજીને વધુને વધુ મતદાન થાય તે માટે તેમજ ચૂંટણી સબંધિત આગામી કાર્યક્રમો અને રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે."
કેન્દ્ર સરકારની યોજના મારફતે વધુ મતદાનની અપીલ: કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધી યોજના, અટલ પેન્શન યોજના, જળ જીવન મિશન, નિઃશુલ્ક એલપીજી કનેક્શન વગેરે જેવી યોજનાઓના લાભ અંગે પણ વાતચીત કરી તેમજ મોદી સરકારની ગેરંટી અંગેની વાત કરીને લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે લોકસંપર્ક કરવામાં આવી રહ્યા છે તો સાથે જ લોકસભા ચૂંટણી માટે, કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર માટે અને નરેન્દ્ર મોદીની સરકાર માટે મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ દ્વારા પણ શરૂ કરાયા પ્રચાર પ્રસાર: તો બીજી બાજુ કચ્છ લોકસભા બેઠક માટેના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણએ etv Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,"તેઓ પણ લોક સંપર્કમાં જઈ રહ્યા છે અને હાલમાં જ તેઓ ચૂંટણી પ્રચાર અર્થે મોરબી જિલ્લામાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળીને વધુને વધુ મતદાન થાય તેમજ લોકો આ વખતે પરિવર્તન લાવે તે માટે વિવિધ બેઠકો પણ કરી રહ્યા છે અને લોકોમાં પણ મતદાન અંગેની જાગૃતિ આવે તે માટે પ્રયત્નો કરી રહ્યાં છે."
વિવિધ મુદ્દાઓ થકી વધુ મતદાનની અપીલ: નિતેશ લાલણ પ્રજા સમક્ષ બેરોજગારી, નર્મદાનાં નીર, મોંઘવારી, શિક્ષકોની ઘટ્ટ, ખેડૂતોના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો વગેરે મુદ્દાઓ લઈને જઈ રહ્યા છે અને લોકોને પરિવર્તન લાવવા માટે વધુને વધુ મતદાન કરીને પરિવર્તનની લહેર કચ્છમાંથી શરૂ કરી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવા માટે અપીલ કરી રહ્યા છે.