કચ્છ : ચોમાસુ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે કચ્છના વિવિધ ગામડાઓમાં તેમજ ખેતીવાડી વિસ્તારમાં બદામી રંગની ઈયળ લાખોની સંખ્યામાં જોવા મળી રહી છે. આમ તો આ ઈયળ જમીનની ધૂળમાં ઇંડાં મૂકી બચ્ચા ઉછેરી જીવન નિભાવે છે. આ ઇયળો કોઈ પણ રીતે વનસ્પતિ માટે નુકસાનકારક નથી. આ ઇયળો પોતાનો પરિવાર વધારવા માટે જીવનસાથીના મિલન માટે ચોમાસા દરમિયાન જમીન બહાર નીકળતી હોય છે.
મિલીપેડ ઈયળ : પ્રકૃતિપ્રેમી નવીન બાપટના જણાવ્યા મુજબ અસંખ્ય પગ ધરાવનાર આ બદામી ઇયળ ધૂળમાં મળતા સેન્દ્રિય પદાર્થ ખાઇને જીવે છે. તે વનસ્પતિને કોઈપણ રીતે નુકસાન કરતી નથી, તે અબજોની સંખ્યામાં દેખાય છે. આ બદામી ઈયળ મિલીપેડના નામે ઓળખાય છે. ખેતીવાડીમાં નીકળતી ઇયળો અનેક પ્રકારની હોય છે. આ ઈયળથી ખેડૂતોના પાકને કોઈ નુકસાન થતું નથી.
કુદરત દ્વારા આ મિલીપેડ ઈયળની સંખ્યા પર અંકુશ રાખવા વૈયા નામનું કાબર જેવું પક્ષી છે, જે જુલાઇના અંતમાં યુરોપથી અહીં આવી આ બધા જંતુઓની વસ્તી નિયંત્રણ કરી અને આ ઇયળોને ખોરાક બનાવે છે. આ ઉપરાંત ખેતીવાડીમાં થતી અન્ય પ્રકારની નુકસાન કરતી ઈયળો માટે ખેડૂતોએ ઇયળોનું સંકલિત વ્યવસ્થાપન કરવું જોઈએ.
પાકનું વ્યવસ્થાપન કેવી રીતે કરશો ?
ખેતીવાડી અધિકારીની કચેરીમાંથી મળતી માહિતી મુજબ કપાસમાં ગુલાબી ઈયળ વધુ માત્રામાં જોવા મળતી હોય છે. તેના વ્યવસ્થાપન માટે અગાઉ કપાસનો પાક પૂરો થઈ ગયા બાદ કપાસના ખેતરમાં કપાસના પાકના ખરી પડેલા ફૂલ તેમજ કડી અને સડી ગયેલા કપાસના ભાગને ભેગા કરી તેનો સમયાંતરે નાશ કરવો જરૂરી છે.
આ ઉપરાંત ખેડૂતોએ પિંજર પાક તરીકે વાડીમાં દિવેલા અને પીળા ગલગોટાનું કપાસની 10 હાર પછી એક હારમાં વાવેતર કરવું. તેની ઉપર મુકાયેલી લીલી ઈયળ, લશ્કરી ઇયળોના ઈંડા તથા ઇયળોનો સમયાંતરે નાશ કરતા રહેવું જોઈએ. કપાસમાં લીલી ઇયળના નિયંત્રણ માટે કપાસના ખેતરની આજુબાજુ પિંજર પાક તરીકે બે હાર મકાઈ અથવા જુવાર અથવા હજારીગોટાનું વાવેતર કરવું જોઈએ.
કાબરી પ્રકારની ઇયળના નિયંત્રણ માટે કપાસના પાકની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવું જોઈએ. તો પાન ખાનારી ઇયળ કે જેને લશ્કરી ઈયળ તરીકે પણ ઓળખવામાં આવે છે, આવી ઇયળના ત્રાસથી બચવા માટે પાકના ફરતે દિવેલાનું વાવેતર ખેડૂતોએ કરવું જોઈએ.