ગાંધીનગર: કોંગ્રેસના નેતાઓ એક પછી એક પાર્ટી છોડી રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોએ રાજીનામું આપતા પાલિકા કોંગ્રેસ મુક્ત બની છે. અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોર્પોરેટરોને કેસરી ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો. બંને કોર્પોરેટરો સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારના મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભામાં 5 વર્ષમાં ખૂબ ઝડપથી વિકાસ થયો છે. આ વિકાસથી પ્રભાવિત થઈને કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે. ગાંધીનગર મનપામાં કોંગ્રેસના બે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આજે ગાંધીનગર મનપા કોંગ્રેસમુક્ત બની છે. કોંગ્રેસના અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં આવ્યા છે. તેનો સીધો ફાયદો ગાંધીનગર મનપાને મળશે. તમામ વિકાસના કામ ગાંધીનગરમાં શરૂ છે. ગાંધીનગર દેશની નંબર 1 મનપા બનશે. - હર્ષ સંઘવી, ગૃહ રાજ્યમંત્રી
ભારતીય જનતા પાર્ટી સ્નેહમિલન સમારોહમાં કાર્યકરો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગૃહ મંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં મોડા પહોંચતા કાર્યકરો જમવા પહોંચી ગયા હતા. નેતાનું અધુરૂ ભાષણ છોડીને મોટી સંખ્યાના કાર્યકર ભોજન સ્થળે જતા રહ્યા હતા. તેથી, ભોજન વિતરણ બંધ કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન શરૂ કરવામાં આવ્યું હતું. બપોરથી આવેલા કાર્યકરોએ ભૂખ્યા પેટે બેસવું પડ્યું હતું.