અમદાવાદ : બાવળામાં આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. મેહુલ ચાવડા નામનો બોગસ ડોક્ટર આ હોસ્પિટલ ચલાવતો હતો. બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ ચલાવી હતી. જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
પહેલો આરોપી ઝડપાયો : આ અંગે હાલ કુલ ત્રણ આરોપીઓમાંથી ડો. ધર્મેન્દ્ર મંગળભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ ભાવનગરનો વતની છે. જોકે હજુ બે મુખ્ય આરોપી બોગસ ડોક્ટર મેહુલ ચાવડા, MBBS તબીબ ડો. મનીષા અમરેલીયાની ધરપકડ કરવા વધુ ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે શું કહે છે DYSP મેઘા તેવર જાણો વિગતવાર
શું હતો મામલો : અમદાવાદ ગ્રામ્ય DYSP મેઘા તેવરે જણાવ્યું હતું કે, કેરાળા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ વિરુદ્ધ 10 જુલાઈના રોજ પોલીસ વિભાગમાં ફરિયાદ આવી હતી. તેની તપાસ કરી હોસ્પિટલને સીલ કરી તાત્કાલિક ધોરણે બોગસ ડોક્ટરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી.
પુરાવા નાશ કરવાનો પ્રયાસ : હોસ્પિટલના પાછળના સાઈડના ભાગે આવેલા દરવાજાની બાજુમાં લોખંડનું શટર ફીટ કર્યું હતું. આ બોગસ ડોક્ટરો તથા તેમના માણસો થકી દરવાજાનું લોખંડનું શટર ઊંચું કરી દરવાજાની બાજુમાં આવેલી બારીમાં ફીટ કરેલા કાચ તોડી હોસ્પિટલમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ હોસ્પિટલમાં આવેલ ડોક્ટરની ઓફિસમાં લગાડેલા CCTV કેમેરાના DVR માં અગત્યના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ દ્વારા DVR લઈ જવામાં આવ્યું હતું.
ત્રણ આરોપી વિરુદ્ધ FIR : આ મામલે હાલ નવા કાયદા મુજબ ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેકટીશનર એક્ટ 1963 ની કલમ 33 તથા BNS Article 24, 319(2), 61(2), 318(4) મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ કાર્યવાહી : અત્રે મહત્વનું છે કે, અગાઉ પોલીસ તપાસમાં હોસ્પિટલમાંથી સર્જીકલ સામાન, એલોપેથી દવાઓ, ઇન્જેક્શન તથા દર્દીઓની સારવાર કરેલી દવાઓના વેસ્ટમાંથી સેમ્પલો કબજે લેવામાં આવ્યા હતા. સાથે જ હોસ્પિટલમાં દર્દીઓની કરેલી સારવારની ફાઇલો, હિસાબના ચોપડા, ECG મશીન, વોલટીનેટર મોનીટર, ગ્લુકોમીટર, BP માપવાના મશીન તથા ટેબલેટ અને રોકડ રૂપિયા સહિત કુલ રૂ. 69,670 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો.