રાજકોટ: આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. એવામાં લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ અને આપ સહિતના પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. એવામાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટનો લોકસભા બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ત્યારે આ વખતે રાજકોટ બેઠક પર ભાજપ દ્વારા વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ફરી રીપિટ નહિ કરે તેવી પણ વાત સામે આવી રહી છે. એવામાં રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી સૌથી પ્રબળ દાવેદાર ડો. ભરત બોઘરાને માનવામાં આવે છે. ત્યારે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમને જો પક્ષ આદેશ કરશે તો લકોસભાની ચૂંટણી લડવાની વાત કરી હતી.
રાજકોટ બેઠક પરથી નવા ચેહરાને સ્થાન આપશે?
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે દેશની સાથે વિદેશમાં પણ વસતા તમામ હિન્દુઓ માટે મહત્વનો દિવસ છે. જેમાં 500 વર્ષની તપસ્યા બાદ અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થવાના છે. જેને લઇને હાલ દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ બોઘરાએ લોકસભાની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ દેશના લોકોની જે ભાવના હતી તે પૂર્ણ કરી છે અને રામ મંદિરનું નિર્માણ કર્યું છે. આ સાથે જ 10 વર્ષમાં જે પણ વચનો આપ્યા હતા તે તમામ વચનો પૂર્ણ કર્યા છે. જેને લઇને આ વખતની ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામ જોવા મળશે. જેની કલ્પના પણ ન કરી હોય તે પ્રકારના પરિણામ સામે આવશે.
પક્ષ આદેશ કરશે તેનું પાલન કરીશ - ડો ભરત બોઘરા
રાજકોટ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવા મામલે ડો ભરત બોઘરાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની ટિકિટ કોને આપવી કોને ન આપવી એ તમાં બાબતો પીએમ મોદી અને અમિત શાહ તેમજ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરતી હોય છે. અમે તો પક્ષના કાર્યકર્તાઓ તરીકે કામ કરતા હોઈએ ત્યારે કોઈનું નામ ચર્ચાતું હોય કે ન હોય આવી વાત ન હોય. અમે તો નરેન્દ્રભાઈ મોદીને દેશના વડા પ્રધાન બનવા માટે અને દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે માટે કામ કરતા હોઈએ છીએ. જ્યારે અમારા પક્ષમાં કોઈ ઈચ્છા કે અનિચ્છા જેવી વાત હોતી નથી. તેમજ અમારી પાર્ટી પ્રશાસનને વરેલી અને શિસ્તબધ્ધ પાર્ટી છે. ત્યારે અમે પાર્ટીના સૈનિકો છીએ અને પાર્ટી જે પણ આદેશ કરે તે પ્રમાણે કામ કરશું. ઉલ્લેખનિય છે કે રાજકોટ બેઠક પરથી ભાજપ પક્ષ આ વખતે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને રીપિટ નહિ કરે તેવી શક્યતાઓ છે. એવામાં ભાજપ આ વખતે રાજકોટ બેઠક પરથી નવા ચહેરાને સ્થાન આપશે. જેમાં ડો. ભરત બોઘરાનું પ્રબળ ચર્ચાઇ રહ્યું છે.