અમદાવાદ: ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી 8થી 16 એપ્રિલ દરમિયાન યોજાનાર મોદી પરિવાર સભા અંગે માહિતી આપી. તેમણે જણાવ્યુ કે, દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે દેશની જનતાએ ચોક્કસ મન બનાવી લીધુ છે કે અબ કી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકાર અને નરેન્દ્ર મોદી આ દેશનુ ત્રીજી વખત નેતૃત્વ કરવા જઈ રહ્યા છે તે પ્રકારનો વિશ્વાસ જનતા વચ્ચે જઈએ ત્યારે ધ્યાનમાં આવે છે. તેમણે કહ્યુ કે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આમ પણ ચૂટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે અને પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો હોય છે. સમાજમાં ક્યાય પણ નાની મોટી મુશ્કેલી હોય તો લોકોની પડખે ઉભા રહેવા માટે હંમેશા કોઈ પણ સમયે પછી તે કોરોના કાળ હોય કે પુર હોનારત જેવી પરિસ્થિતિ હોય કે પછી અન્ય કોઈ મુશકેલી હોય તે સતત સમાજ સાથે રહી અને સમાજની સાથે ચાલવા વાળો કાર્યકર્તા છે. ત્યારે ચૂંટણીના સમયે સમાજની વચ્ચે જઈ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે કરેલા કામોની વાત કરવાનુ થાય તે સ્વાભાવિક છે.
- તેમણે જણાવ્યુ કે, મોટા ભાગના ચૂંટણીના જે અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા તે ભારતીય જનતા પાર્ટી સમાજની વચ્ચે જઈને કરી રહી છે. તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મારો જન્મ મોજ કરવા નહી પણ સખત મહેનત કરવા થયો છે. તેમણે કહ્યુ પાછલા દસ વર્ષના શાસનમાં મોદી સરકારે જે પરીશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યુ છે તે જનતાએ જોયુ છે.
મોદી પરીવાર સભા: તેમણે મોદી પરીવાર સભા અંગે વાત કરતા કહ્યુ કે, આગામી સમયમાં અનેક કાર્યક્રમો વચ્ચેનો કાર્યક્રમ એટલે મોદી પરીવાર સભા. આ કાર્યક્રમમાં 2 કે 3 શક્તિ કેન્દ્રો ભેગા કરી અથવા તો 10 કે 12 બુથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનુ આયોજન કરવાનુ પાર્ટીએ નક્કી કર્યુ છે. મોદી માટે સમગ્ર દેશ પરીવાર છે. વિપક્ષ જ્યારે મોદીના પરીવાર વિશે વાત કરતો હોય ત્યારે તેવા સંજોગોમાં મોદી પરીવાર સભા દ્વારા મોદી પરીવારના મંત્રને સાર્થક કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરશે. તેમણે જણાવ્યુ કે 8 એપ્રિલથી 16 એપ્રિલ વચ્ચે સમગ્ર ગુજરાતના બધા જિલ્લાઓમાં મહાનગરોમાં આ પ્રકારે 10-12 બુથો વચ્ચે મોટી સભા કરવામાં આવશે. 10 કે 12 બુથોમાં 5 હજાર કરતા વધારે સ્થાનો પર સભા થશે, જેમાં વિવિધ સમજણ વર્ગના લોકો આવશે અને 10 વર્ષમાં મોદી સરકારે જે કામો કર્યા છે તેની ચર્ચા કરવામાં આવશે.