સુરત: સુભાષચંદ્ર બોઝની મૃત્યુ અંગે ચોંકાવનારું નિવેદન સુરતના બારડોલીના કાર્યક્રમમાં આવેલા ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તાઈવાનમાં મૃત્યુ નથી થયું, નેહરુને ખબર હતી કે, બોઝ જીવિત છે.
બારડોલી ખાતે 'રન ટુ રિમેમ્બરન્સ સુભાષ સંગ્રામ' કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે મોટું નિવેદન કર્યું હતું કર્યો છે. આઈ એમ હ્યુમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં 2000 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. જેનું પ્રસ્થાન ડૉ. સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડૉ. સ્વામીએ જણાવ્યું કે, સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે સત્ય બહાર આવવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે, તાઈવાનમાં બોઝનું મૃત્યુ થયું નથી અને સરકારે આ અંગેનું કન્ફર્મેશન દબાવી રાખ્યું છે. તેમણે ઉમેર્યું કે અમેરિકાએ પણ પુષ્ટિ કરી હતી કે ત્યાં કોઈ વિમાન દુર્ઘટના થઈ નથી.
વધુમાં, ડૉ. સ્વામીએ એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે, જવાહરલાલ નેહરુના પ્રાઈવેટ સેક્રેટરીએ નિવેદન આપ્યું હતું કે, 1945માં નેહરુએ તેમને બ્રિટિશ પ્રધાનમંત્રીને પત્ર લખવા બોલાવ્યા હતા, જેમાં સુભાષચંદ્ર બોઝ જીવિત હોવાની અને તેમના કબજામાં હોવાની વાત હતી.
ડૉ. સ્વામીએ વર્તમાન સરકાર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રશિયા પાસેથી આ અંગેના દસ્તાવેજો મંગાવવાની જરૂર છે. તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખીને દસ્તાવેજો જાહેર કરવાની માગ કરી છે અને આ મુદ્દે કોઈપણ સાથે ડિબેટ કરવા માટે તૈયાર હોવાનું જણાવ્યું છે.