જૂનાગઢ : જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ ત્રીજી વખત લોકસભા ચૂંટણી માટે તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. સરદાર ચોકથી રોડ શો કરી સમગ્ર જૂનાગઢ શહેરમાં ભાજપનો કાફલો ફર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટરને વિજય મુહૂર્તમાં લોકસભા ચૂંટણીનું નામાંકન રજૂ કર્યું હતું.
જૂનાગઢમાં ભગવો છવાયો : જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અને વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ આજે ત્રીજી વખત લોકસભા ચૂંટણી માટે પોતાનું નામાંકન પત્ર જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું છે. આ તકે જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી, પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઝવેરીભાઈ ઠકરાર તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ડમી ઉમેદવાર તરીકે પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાના પત્ની ભાવનાબેન હિરપરાએ નામાંકન પત્ર રજૂ કર્યું હતું. આજે વિજય મુહૂર્તમાં નામાંકન પત્ર રજૂ કરતા પૂર્વે ભાજપે જૂનાગઢ શહેરમાં રોડ શોનું આયોજન પણ કર્યું હતું.
જંગી જનમેદની સંબોધી : લોકસભા ચૂંટણી 2024 માં રાજેશ ચુડાસમાએ જૂનાગઢ લોકસભા બેઠક માટે નામાંકન પત્ર રજૂ કરતા પૂર્વે સરદાર ચોકમાં જાહેર સભા સંબોધી હતી. જેમાં જૂનાગઢ લોકસભા બેઠક હેઠળના તમામ ધારાસભ્યોની સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાજપના અગ્રણીઓ, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહિત અનેક જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભવ્ય રોડ શો યોજાયો : જાહેર સભા પૂર્ણ થયા બાદ સરદાર ચોકથી ભાજપનો કાફલો રોડ શો જૂનાગઢ શહેર તરફ આગળ વધ્યો હતો. શહેરના કાળવા ચોક, આઝાદ ચોક, જયશ્રી રોડ ફરીને ભાજપનો રોડ શો સરદાર પટેલ ચોક ખાતે પૂર્ણ થયો હતો. અહીંથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને તેમના ટેકેદારો સાથે ડમી ઉમેદવાર ભાવનાબેન હિરપરા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં જૂનાગઢ લોકસભા બેઠક પર વિધિવત રીતે તેમનું નામાંકન રજૂ કર્યું હતું.