કચ્છ: કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ રોડ શો બાદ જાહેર સભા યોજી હતી અને ત્યાર બાદ કચ્છ કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજૂ કરવા પહોંચ્યા હતા. વિનોદ ચાવડાએ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને વિધાનસભાના ધારાસભ્યોની હાજરીમાં કલેકટર સમક્ષ પોતાની કચ્છ લોકસભા બેઠક માટેની દાવેદારી નોંધાવી હતી.
10 વર્ષ સુધી લોકોનો સાથ સહકાર મળ્યો: વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, પછાત ગણાતો કચ્છ જિલ્લો આજે દેશની અંદર અગ્રેસરનો જિલ્લો બન્યો છે જેનો શ્રેય સવાયા કચ્છી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. કચ્છ જિલ્લો ઉદ્યોગ,ડેરી, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે આગળ વધ્યો છે. પાર્ટીએ મને ત્રીજી વખત ટિકિટ આપી છે ત્યારે 10 વર્ષમાં લોકોનો પણ સાથ સહકાર મળ્યો છે. પાર્ટીએ જ્યારે ત્રીજી વખત ભરોસો મૂકીને કચ્છની જનતાની સેવા કરવાની તક આપી છે. આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રોડ શો અને જાહેર સભા યોજ્યા બાદ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જે પ્રમાણે કચ્છની જનતાએ 10 વર્ષ માટે સહકાર આપ્યો છે તે પ્રમાણે આગામી 5 વર્ષ માટે પણ હું કચ્છની જનતાનો સહયોગ માંગુ છું. આજે રોડ શો અને જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલ તમામ કાર્યકર્તાઓ અને પ્રજાનો હું આભાર માનું છું.