કચ્છ : કચ્છ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડા બે ટર્મથી કચ્છના સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. ભાજપ પક્ષે સતત ત્રીજી વખત તેમને ટિકિટ આપી છે. આગામી લોકસભા ચૂંટણીની તૈયારી અને એજન્ડા અંગે વિનોદ ચાવડા સાથેની વાતચીતના મહત્વપૂર્ણ અંશ...
સવાલ : બે ટર્મમાં કયા મહત્વના કાર્યો કરવામાં આવ્યા ?
જવાબ : છેલ્લા દસ વર્ષથી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અનેક વિકાસના કાર્યો થયા અને અનેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. કચ્છની વાત કરવામાં આવે તો અહીં પણ 10 વર્ષ દરમિયાન કચ્છના સાંસદ તરીકે કચ્છની સેવા કરવાનો અવસર મળ્યો છે. ઉપરાંત કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છમાં અનેક લોકઉપયોગી કાર્યો કર્યા છે.
- નર્મદાની મુખ્ય કેનાલ
કચ્છના વિકાસ સૌથી મહત્વના કાર્યોમાં નર્મદાની મુખ્ય કેનાલ છે, જે કચ્છની અંદર પહોંચે. જેના માટે પ્રથમ જેસડાથી ચોબારી સુધી કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી જેના કારણે કેનાલ મોડકુબા સુધી પહોંચી છે.
- કચ્છના રોડ-રસ્તાનો વિકાસ
ઘડુલીથી સાંતલપુર રોડની મંજૂરી કેન્દ્રની સરકારના પર્યાવરણ વિભાગે મંજૂરી આપી જેના કારણે આજે આ રોડ ધમધમતો થયો છે. ધોરડોથી ધોળાવીરા જવાનો રસ્તો આજે રોડ ટુ હેવન તરીકે પ્રસિદ્ધ પામ્યો છે અને લાખો ટુરિસ્ટો મજા માણી રહ્યા છે.
- પાસપોર્ટ સેવા કેન્દ્ર
ભૂતકાળમાં લોકોને રાજકોટ અને અમદાવાદ પાસપોર્ટ બનાવવા માટે જવું પડતું હતું, તે આજે ભુજમાં થઈ રહ્યું છે. કચ્છના પાસપોર્ટ સેવાના કારણે આજે સવા લાખથી વધારે લોકોનો સમય બચ્યો છે અને પાસપોર્ટ સેવા કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યું છે.
- એરપોર્ટ અને ફ્લાઇટ સેવા
UGC માન્યતાના કારણે કચ્છ યુનિવર્સિટીમાં નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં સફળતા મળી છે. કંડલાનું એરપોર્ટ બંધ પડ્યું હતું. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી અને NDA સરકાર આવી બાદમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઘણા બધા વિકાસના કાર્યો થયા, જેમાં કંડલાનું એરપોર્ટ પુનઃ ધમધમતું થયું. ભૂજથી અને કંડલાથી ઘણી બધી ફ્લાઈટો પણ શરૂ કરવામાં આવી છે.
- રેલવે સુવિધાનો વિકાસ
નવા રેલવે સ્ટેશનનો જે બની રહ્યા છે. ભુજ, સામખિયાળી અને ભચાઉના કારણે અન્ય પ્રાંત અને રાજ્યોને જોડતી નવી રેલ સેવા પણ આપણે શરૂ કરાવી શક્યા છીએ. પ્રવાસી ટ્રેનો પણ શરૂ કરાવી છે. આજે ભુજથી અમદાવાદ ઇન્ટરસિટી પણ ચાલી રહી છે. સાથે સાથે રેલવેમાં ડબલ ટ્રેક લાઈન અને ઈલેકટ્રીક લાઈન પણ મળી છે. નલીયા સુધી બ્રોડગેજ લાઈન પણ કચ્છને મળી છે. ગાંધીધામમાં જમીન ફ્રી હોલ્ડનો જે વર્ષોથી પ્રશ્ન ચાલતો હતો, તેનું પણ સમાધાન થયું છે.
- કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ
આ ઉપરાંત કચ્છમાં એફએમથી અનેક સેવાઓ છેલ્લા દસ વર્ષની અંદર કેન્દ્ર સરકારના માધ્યમથી મળી છે. વ્યક્તિગત રીતે પણ અનેક લોકોને ઉપયોગી થયા છીએ અને જેના કારણે ભૂતકાળની અંદર જે લોકો અહીંથી વિદેશ ગયા હતા અને ત્યાં અલગ અલગ રીતે ફસાયા હતા, ત્યારે કેન્દ્ર સરકારની મદદથી તેમને પરિવાર સાથે વતન પરત લાવવામાં આવ્યા છે. અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મળ્યા છે. સાથે સાથે મુદ્રા યોજનાના માધ્યમથી ઘણા બધા યુવાનો લોન લઈને આજે પગભર થયા છે.
સવાલ : ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ રેલ સેવા વધારવાની માંગને કેવી રીતે ન્યાય આપશો ?
જવાબ : વિકાસની ભૂખ સતત ચાલતી હોય છે. કચ્છનું ગાંધીધામ એક લઘુભારત છે. જ્યાં અનેક પ્રાંત અને રાજ્યોના લોકો નિવાસ કરે છે. તો આપણા પણ ઘણા બધા લોકો બહાર વસે છે. ત્યારે રેલ સેવા માટે ચોક્કસ આવનાર સમયમાં અમારા પ્રયત્નો રહેશે. કચ્છને વંદે ભારત, નમો ભારત જેવી નવી ટ્રેનો મળે, દેશની રાજધાની દિલ્હીથી પણ નવી ટ્રેન મળે, મુંબઈથી આપણને નવી ટ્રેન મળે અને અન્ય પ્રાંતોની પણ ટ્રેન મળે તેના માટે હવે પછીના પાંચ વર્ષમાં મારા પ્રયાસો રહેશે.
એર કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આપણે જોઈ રહ્યા છીએ કે થોડા સમયમાં મુન્દ્રાથી પણ નવી ફ્લાઇટ શરૂ થવાની છે. બીજી એર કંપનીઓએ પણ સર્વે કર્યો છે, જેથી કચ્છની અંદર અન્ય ફ્લાઈટ શરૂ થશે. એટલે કુલ મળીને આવનાર પાંચ વર્ષની અંદર આપણને ખૂબ મોટા લાભ થવાના છે.
સવાલ : નર્મદા નીર માટે ખેડૂતોના આંદોલનનું કેવી રીતે નિરાકરણ લાવશો ?
જવાબ : નર્મદાના પાણીની વાત કરવામાં આવે તો જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા, ત્યારે તરત જ નર્મદાનાં પીવાના પાણી પાઇપલાઇનના માધ્યમથી કચ્છના છેવાડાના ગામો સુધી પહોંચ્યા હતા. મુખ્ય કેનાલની જે વાત હતી તે કચ્છની અંદર પહોંચી છે. કચ્છના ખેડૂતોને નર્મદાનું પાણી મળે તે માટે પણ તરત જ એમણે મંજૂરી આપી અને કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, જેના વધામણા કરવા માટે તેઓ પોતે આવ્યા હતા.
નર્મદાનાં વધારાના પાણી માટે 5,000 કરોડ રૂપિયા ગુજરાત સરકારમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યા છે, જેના ટેન્ડરિંગ પણ થઈ ગયા અને ઘણી બધી જગ્યાએ કામ ચાલુ છે. કિસાન આંદોલન માત્ર એક દુધઈ બ્રાન્ચ કેનાલની વાતમાં હતું. બે ત્રણ વખત તેના ટેન્ડર ટેકનિકલ રીતે રદ થયા હતા, જે ટેન્ડરિંગ થઈ ગયા છે. આવનાર સમયમાં ખૂબ મોટો ફાયદો થાય તે રીતે નર્મદાના નહેરનું કાર્ય થઈ રહ્યું છે. જે રીતે કચ્છના છેવાડા સુધી પીવાના પાણી પહોંચ્યા છે, તે રીતે કચ્છની અંદર સિંચાઇ માટે પણ પાણી મળતા થઈ જશે.
સવાલ : કચ્છમાં અનેક ઉદ્યોગ, ગૌચર જમીન અને પવનચક્કીના વિવાદ છે, તેને કેવી રીતે ટેકલ કરશો ?
જવાબ : કચ્છમાં રણ, ડુંગર અને દરિયો એમ ત્રણેય પ્રકૃતિનો સમન્વય છે, આવા બહુ ઓછા પ્રદેશો છે. આજે રણના માધ્યમથી રણ ઉત્સવ થઈ રહ્યો છે. કચ્છના કાળો ડુંગર, ભુજિયો ડુંગર છે ત્યાં સ્મૃતિ વનનું નિર્માણ થયું છે. અનેક પ્રવાસીઓ કચ્છમાં આવી રહ્યા છે, જેના કારણે લોકોને રોજગારી મળી રહી છે. આપણે અહીંયા દરિયામાં માંડવી બીચ વિકસ્યો છે, જેના કારણે આજે ટુરિસ્ટ આવી રહ્યા છે.
રણની અંદર આપણું એશિયાનું સૌથી મોટું એનર્જી પાર્ક બની રહ્યું છે. એટલે કે જે પ્રકારે કચ્છમાં જે ક્ષેત્રની અંદર જેનો ઉપયોગ થવો જોઈએ એ પ્રમાણે અહીંયા તેનો ઉપયોગ કરીને આપણે ઉદ્યોગો સ્થાપી રહ્યા છીએ. સ્વાભાવિક છે કે પર્યાવરણને નુકસાન ન થાય એ બાબતની આપણે ચિંતા અગાઉ પણ કરી છે. આવનાર સમયમાં પણ જો આવી ઘટનાઓ સામે આવશે તો ચોક્કસ એની સામે અવાજ ઉઠાવી એના સમાધાનના પ્રયત્ન પણ કરવામાં આવશે.
સવાલ : વૈશ્વિક ધરોહર ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયું, પરંતુ હજી સુધી ત્યાં વિકાસ થયો નથી, તેના માટે કેવા પ્રયત્નો રહેશે ?
જવાબ : હાલમાં જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવ્યા ત્યારે અનેક વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વર્લ્ડ હેરિટેજ તરીકે ધોળાવીરા જાહેર થયું પછી ધોળાવીરા ટુરિઝમનું કેન્દ્ર બને તેના માટે ગુજરાતની સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે, જેનું ખાતમુહૂર્ત પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી કર્યું હતું. આજે લાખો લોકો કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ચોક્કસ પર્યટનની બાબતમાં ગુજરાતમાં ઉમેરો થશે અને કચ્છને એક વધુ ગૌરવશાળી પર્યટન સ્થળ મળશે.
આપણે સૌ જાણીએ છીએ કે ધોરડો વર્ષોથી રણ તો હતું, પણ નરેન્દ્ર મોદીએ રણને વાઈટ રણની ઓળખ આપી આજે કચ્છનું તોરણ બનાવ્યું છે. દિનપ્રતિદિન પ્રવાસીઓનો ઘસારો થઈ રહ્યો છે અને ગુજરાત સરકાર દ્વારા પણ દિન પ્રતિદિન ટુરીઝમને વિકસાવવામાં આવી રહ્યું છે. અગાઉ રણોત્સવ માત્ર એક મહિના સુધી ચાલતો હતો, આજે સાડા ત્રણ મહિના ચાલે છે. એ ગુજરાત સરકારની દેન છે અને નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ છે, જેના કારણે આજે આવી પ્રવાસનની ધરોહર કચ્છને મળી છે. જેનો કુલ ફાયદો આવનાર સમયમાં કચ્છના લોકોને થશે.
સવાલ : અવારનવાર કચ્છની સરહદ પરથી ડ્રગ્સ મળે છે, તેને અટકાવવા શું કરશો ?
જવાબ : કચ્છ માટે આ ચિંતાનો વિષય છે. જ્યારે પણ આવી ઘટના ઘટી છે ત્યારે દેશની સુરક્ષા એજન્સી તેમજ ખાનગી એજન્સીઓ દ્વારા અનેક સફળ ઓપરેશન થયા છે. કચ્છની જનતાને પણ હું વિનંતી કરું છું, જાગૃત કરું છું કે આવી ઘટનાઓ ઘટતી હોય કે શંકાસ્પદ લાગે તો ચોક્કસ જે તે એજન્સીનો સંપર્ક કરીએ. આવી ઘટના કેવી રીતે ઘટે એની સામે જો આપણે એક જન જાગૃતિ અભિયાન ચલાવીશું તો ચોક્કસ અસામાજિક તત્વોથી આપણે કચ્છને અને દેશને બચાવી શકીશું.
સવાલ : ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોના કેવા પ્રશ્નો સામે આવી રહ્યા છે અને લોકોનો પ્રતિસાદ કેવો છે ?
જવાબ : 10 વર્ષમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં કામો થયા છે અને કચ્છ પણ ક્યાં બાકી નથી રહ્યું. કચ્છમાં પણ કેન્દ્ર સરકારના માધ્યમથી 100 જેટલા કામો થયા છે, ત્યારે પ્રજા- મતદારો ખૂબ ખુશ છે. આજે લોકોના કામ થઈ રહ્યા છે. ગામડાઓમાં જઈએ તો આજે માળખાકીય સુવિધામાં વધારો થઈ રહ્યો છે. આજે રોડ-રસ્તા, લાઈટ, પાણી, આરોગ્ય, શિક્ષણની સુવિધા મળી રહી છે. જો ક્યાંક કામો ન થયા હોય તેવી બાબતો સામે આવે, ત્યારે ચોક્કસ એનું સમાધાન પણ કરવામાં આવતું હોય છે. આગામી સમયમાં પણ પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે.
સવાલ : ચૂંટણી પ્રચાર પ્રસાર માટે સોશિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છો ?
જવાબ : વર્ષ 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે દેશમાં સોશિયલ મીડિયાનો સૌથી વધારે પ્રયોગ થયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે લાખો સભા સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી. કચ્છમાં પણ પ્રચાર પ્રસાર સોશિયલ મીડિયાથી કરવામાં આવી રહ્યો છે. આજે તેમની ટીમ દિન પ્રતિદિન તેમના કાર્યક્રમ અને પ્રવાસ કે પછી કોઈ મેસેજ આપવાનો હોય તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપી રહ્યા છે.
સવાલ : આપને ત્રીજી વખત તક મળી છે તો અપેક્ષા પણ વધારે રહેશે, રોડમેપ શું આપશો ?
જવાબ : હું ભારતીય જનતા પાર્ટી અને અમારા શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે મને ત્રીજી વખત કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે. હું કચ્છની જનતા અને કચ્છના મતદારોનો પણ હું આભાર માનું છું કે 10 વર્ષ મને એમનો સહયોગ મળ્યો. હું મતદારોને અપીલ કરું છું કે ત્રીજી વખત જવાબદારી મારા ભાગે આવી છે તો આપ સહયોગ કરો. હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું કે, આપણે બધા સાથે મળી આવનાર સમયમાં કચ્છ હજી સવાયું કચ્છ બનાવવું છે. ચોક્કસ 10 વર્ષ મેં જે કામ કર્યું છે એમાં કંઈ ખૂટતું હશે તો હું એ પાંચ વર્ષની અંદર પૂરું કરીશ.
સવાલ : 10 વર્ષ તરીકે સાંસદ રહ્યા છો તો કચ્છને પણ મંત્રીપદ મળે એ બાબતે તમારું શું માનવું છે ?
જવાબ : મંત્રીપદ અંગેની બાબતો ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નક્કી કરતા હોય છે. પક્ષ તરફથી અત્યારે મારા ભાગે જે જવાબદારી આવી છે એ હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો છું.
કચ્છ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ જીતની હેટ્રિક લગાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.