પાટણ: લોકસભાની ચૂંટણીને લઈને પાટણ લોકસભા સીટ ઉપર રાજકીય ધમધમાટ શરૂ થયો છે. બંને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે જોરશોરોથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ સરસ્વતી તાલુકાના અલગ અલગ 14 જેટલા ગામોનો પ્રવાસ કર્યો હતો. સાંપ્રા ગામે ભરતસિંહ ડાભી તેમજ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમના કાર્યકરો સાથે આવી પહોંચતા સમસ્ત ગામ લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા.
વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ સતત બીજીવાર મારી ઉપર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે સાંપ્રા ગામ દ્વારા જે રીતે અમારું સ્વાગત કરવામાં આવ્યું છે તેથી લોકસભાની આ ચૂંટણી પાંચથી સાત લાખ મતોથી જીતીશ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. - ભરતસિંહ ડાભી, ભાજપ ઉમેદવાર
50થી વધુ આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા: ગામના રામજી મંદિર ખાતે યોજાયેલી જાહેર જંગી સભામાં સરસ્વતી તાલુકા પંચાયતના કોંગ્રેસના પૂર્વ મહિલા પ્રમુખ અને વર્તમાન ડેલિકેટ અને તેમના પતિ વિક્રમસિંહ ઝાલા સહિત 50થી વધુ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. બલવંતસિંહ રાજપૂત અને ભરતસિંહ ડાભી એ તેઓને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. તો ચૂંટણી દરમિયાન ભરતસિંહ ડાભીને ભરવાની થતી ડીપોઝીજીટની રકમ સમસ્ત સાંપ્રા ગામ લોકો દ્વારા ભરવામાં આવશે તેવો નિર્ણય ગામ લોકોએ કર્યો છે.