ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસા સત્રની શરુઆત થઈ ગઈ છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે કૃષિમાં થયેલા નુકસાનના સર્વે મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર, સોમનાથ અને પોરબંદર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને સહાય અંગે સવાલ પૂછ્યો હતો. સાથો સાથ વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યા હતા કે કૃષિ મંત્રી વિપક્ષના સવાલોના જવાબ આપી રહ્યા નથી. ત્યારે સમગ્ર મુદ્દે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ તરફથી મોરચો સંભાળ્યો હતો.
વિમલ ચુડાસમાએ કૃષિ વિભાગને સવાલ કર્યા: સૌરાષ્ટ્રમાં સોમનાથ વિધાનસભા સીટના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જુનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાન અંગે સવાલો કર્યા હતા. વિધાનસભામાં ટૂંકી મુદતના પ્રશ્નોમાં કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કૃષિ વિભાગને સવાલ પૂછ્યો હતો. કૃષિ વિભાગના મંત્રીને પૂછવામાં આવ્યુંં હતું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જીલ્લો, જુનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લામાં પાક નુકસાની કેટલી થઈ છે. ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકને નુકસાન થયું છે. તેનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે છે. કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.
ક્યારે વળતર ચુકવાશે?: જે-જે પાકોને નુકસાન થયું છે એને સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે? ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો હતો. એમણે સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે. કઈ અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ગયા વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખૂબ મોટાપાયે નુકસાન થયું હતું.
વિમલ ચુડાસમાએ જણાવ્યું કે આ વર્ષે પણ જે નુકસાન થયું છે એનું વળતર ચૂકવામાં નહીં આવે એવું મને લાગી રહ્યું છે. નુકસાન સૌથી વધારે જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં, પોરબંદર અને અન્ય ગામડાઓમાં થયું છે. કોઈ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યાં તેનો સર્વે શરૂ કરવો જોઈએ. અલગ અલગ જગ્યા હોય જેમકે કેશોદ વિસ્તાર છે. ત્યાં અનેક સ્થળે ગીર સોમનાથમાં અલગ વાવેતર થતું હોય જુનાગઢ જિલ્લામાં અલગ વાવેતર થતું હોય એટલે મેં સ્પષ્ટતા કરી છે કે કયા પાક માટે કેટલું વળતર તમે ચૂકવવા માંગો છો.
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું નિવેદન: ઘેડ વિસ્તારમાં વધુ વરસાદથી પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકાર SDRF હેઠળ મદદ કરવા માંગે છે એ અંગે ખાતરી આપી છે. એક હેક્ટર દીઠ 33 ટકા કરતા વધારે નુકસાન હોય ત્યાં 8500 રૂપિયા ફાળવશે. વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકસાનીમાં વળતર અપાશે. ઘેડમાં કાયમી ધોરણે પાણી ભરાય છે એ અંગે રજૂઆત કરાઈ છે. સેકોન એન્જિનિયરિંગ કંપની ઘેડ અંગે અહેવાલ તૈયાર કરી રહી છે તે અંતિમ તબક્કામાં છે. નદી પરના દબાણો દૂર કરવા ખેડૂતોએ તૈયારી દર્શાવી છે. નદીની ક્ષમતા એક લાખ છત્રીસ હજાર ક્યુસેક હોવી જોઈએ, જેની સામે હાલ માત્ર 26 હજાર ક્યુસેક છે.