મહેસાણાઃ મહેસાણામાં કડી ખાતે આવેલા જાસલપુર ગામ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં દીવાલ બનાવતી વખતે માટીની ભેખડ ધસી પડી હતી. જેમાં 9 વ્યક્તિના મોત થયા છે. આ ઘટનામાં અહીં હાજર દરેક મૃતકના સ્વજનોએ રીતસરની પોક મુકી હતી. રોકક્કડથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. મજુરી કામ કરી જ્યાં પેટીયું રડતા હતા ત્યાં જ ઘણા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ હતી. આ મામલાને લઈને મુખ્યમંત્રી દ્વારા 4 લાખ મૃતક પરિવારને અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરાઈ છે. બીજી બાજુ પીએમઓ દ્વારા પણ 2 લાખની સહાયની જાહેરાત પણ કરવામાં આવી છે.
મહેસાણામાં કડી ખાતે આવેલા જાસલપુર ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં મજુરી કામ કરતા 9 મજુર દીવાલ બનાવતા માટીની ભેખડ ધસી પડતા માટી નીચે દટાઈ ગયા અને મૃત્યુ પામ્યા છે. હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તંત્ર પણ જાણકારી મળતા તુરંત સ્થળ પર દોડી આવ્યું છે.
જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ પ્રા.લી. કંપનીમાં આ ઘટના બની છે જ્યાં 9 વ્યક્તિના મોત નિપજ્યા છે. બનાવને લઈ સેફ્ટી સાધનો મામલે ફરી પ્રશ્નો ઊભા થયા છે. મોટી ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને જીવીત બહાર લાવવામાં સફળતા મળી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
પોતાનું સર્વસ્વ ગુમાવી બેસેલા પરિવારો સ્વજનના અચાનક આ પ્રકારના મૃત્યુથી અત્યંત આઘાતમાં હતા. તેઓના રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સતત અહીં રેસ્ક્યુની કામગીરી ચાલતી હતી ત્યારે પણ લોકોમાં આશા હતી કે કોઈક જો જીવંત બહાર નીકળે. પરંતુ એક વ્યક્તિ સિવાય અન્ય કોઈ જીવંત બચ્યું નહીં તેનું દુઃખ અહીં લગભગ દરેકને હતું.