મોરબીઃ અમદાવાદ પોલીસે ઝડપી લીધેલા સીરીયલ કિલરે રાજકોટની યુવતીની હત્યા કરી મૃતદેહના કટકા કરી વાંકાનેર નજીક દાટી દીધાનો ખુલાસો કર્યા બાદ પોલીસે મૃતદેહના અવશેષો એકત્ર કર્યા હતા. પોલીસે હત્યાના પુરાવા પ્રાપ્ત થયા બાદ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેરમાં મૃતદેહ મળી આવ્યા મામલે હત્યાની ફરિયાદ
વાંકાનેર સીટી પોલીસ પીએસઆઈ જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ આરોપી મૃતક નવલસિંહ મુળજીભાઈ ચાવડા, સોનલબેન નવલસિંહ ચાવડા રહે બંને રહે શિયાણી પોળ મોટા પીર વઢવાણ તેમજ જીગર ભનુભાઈ ગોહિલ અને શક્તિરાજ ભરતભાઈ માનસિંગભાઈ ચાવડા રહે ધમલપર વાળા વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા. 11-12 ના રોજ સરખેજ અમદાવાદ પોલીસ ટીમ વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે આવી તપાસ ચલાવી હતી. જેમાં આરોપી મૃતક નવલસિંહ ચાવડાએ રાજકોટ રહેતા નગ્માબેન કાદરભાઈ અલીભાઈ મુકાસમાં સાથે પ્રેમસંબંધ હતો અને નગ્માબેન આરોપી નવલસિંહને લગ્ન માટે દબાણ કરતા હતા. જેથી નવલસિંહે વઢવાણ બોલાવી કેમિકલ આપતા નાગ્માંબેનનું મોત થયું હતું. તેણે મૃતદેહના કટકા કરી મૃતદેહ થેલામાં ભરી વાંકાનેર રહેતા તેના બહેન ચંદ્રિકાબેન ભરતભાઈ ચાવડાના પુત્ર શક્તિરાજ ચાવડાને વાંકાનેર રેલવે સ્ટેશન ફાટક સામે આવેલ મંદિર પાસે ખાડો ખોદાવી રાખવા જણાવ્યું હતું.
આરોપી નવલસિંહ તેની કારમાં મૃતદેહના કટકા લઈને વઢવાણ ખાતેથી નીકળી વાંકાનેર આવ્યો હતો અને શક્તિરાજ ચાવડાએ ખાડો ખોદી રાખ્યો હતો. જે ખાડામાં મૃતદેહ દાટ્યાની નવલસિંહે કબુલાત આપી હતી. તેમજ ચંદ્રિકાબેન ચાવડા, શક્તિરાજ ચાવડાની પૂછપરછ કરતા આરોપી નવલસિંહે જણાવેલી હકીકતને સમર્થન આપતી હકીકત જણાવી હતી. મૃતદેહ ધમલપર ફાટક, સરધારકા ગામ પાસે દાટી દીધો હતો. જેથી અમદાવાદ પોલીસને સાથે રાખી વાંકાનેર સીટી પોલીસે બનાવ વાળા સ્થળેથી મૃતદેહના અવશેષો કબજે લઈને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યા હતા.
પત્ની સહીત ચાર સામે ગુનો નોંધાયો
આમ મૃતક નગ્માબેન કાદરભાઈ મુકાસમને મૃતક આરોપી નવલસિંહ ચાવડા સાથે પ્રેમસંબંધ હોય અને લગ્ન માટે દબાણ કરતા હતા. આરોપી નવલસિંહ પરિણીત હતો અને લગ્ન કરવા માંગતો ના હતો. જેથી દશેક માસ પૂર્વે ધુળેટીના દિવસે તા. 26-03-2024 ના રોજ વઢવાણ ખાતેના રહેણાંક મકાને બોલાવી સોડીયમ પાવડર પીવડાવી હત્યા કરી મૃતદેહના કટકા કરી પ્લાસ્ટિક થેલીમાં ભરીને ભાણેજ શક્તિરાજ ચાવડાને ફોન કરી ખાડો ખોદી રાખવા જણાવી આરોપી નવલસિંહ અને જીગર ગોહિલ બંને ગાડીઓ લઈને આવી મૃતદેહ આરોપી નવલસિંહ, તેની નાબાલિક દીકરી અને પત્ની સોનલબેને લાવી મૃતદેહ દાટી પુરાવાનો નાશ કર્યો હતો. વાંકાનેર સીટી પોલીસે આરોપી મૃતક નવલસિંહ, તેની પત્ની અને ભાણેજ સહિતના ચાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.