કચ્છ : આજે જન્માષ્ટમીનો તહેવાર છે, કૃષ્ણ ભગવાનના ભક્તો આજે કૃષ્ણજન્મની વિવિધ રીતે ઉજવણી કરશે. ત્યારે ભુજના ચિત્રકાર લાલજી જોષીએ મોરપીંછ પર એક્રેલિક કલરથી ભગવાન શ્રી કૃષ્ણનું પેઇન્ટિંગ બનાવ્યું છે. આમ તો મોરપીંછ પર કળા કરવી ખૂબ મુશ્કેલ હોય છે, ત્યારે ચિત્રકારે ભગવાન શ્રી કૃષ્ણનું ચિત્ર મોરપીંછ પર કંડારીને પોતાની કૃષ્ણભક્તિ વ્યક્ત કરી છે.
"મોરપીંછ" પર "ભગવાન શ્રી કૃષ્ણ": મોરપીંછ પર બનાવેલ કૃષ્ણનું પેઇન્ટિંગ ખૂબ બારીકાઈથી કરવામાં આવ્યું છે. ચિત્રકાર લાલજીભાઈએ પોતાની કૃષ્ણ પ્રત્યેની ભક્તિથી ખૂબ સુંદર પેઇન્ટિંગ બનાવ્યું છે. આ ચિત્ર બનાવતી વખતે ભગવાન દ્વારકાધીશ તેમની આસપાસ હતા તેવો તેમને અહેસાસ થયો હતો, તેવું ચિત્રકાર લાલજીભાઈએ જણાવ્યું હતું.
ચિત્રકારની અદભુત કૃષ્ણભક્તિ : ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ શ્રાવણ માસ નિમિતે લાલજીભાઈ દ્વારા પીપળાના પાન પર શિવજીનું ચિત્ર બનાવવામાં આવ્યું હતું. હવે નંદલાલાનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી નિમિતે મોરપીંછ પર કલાકૃતિ કરવામાં આવી છે. લાલજીભાઈ જોષી દર વખતે અવનવું આર્ટ બનાવવામાં માને છે, તેમણે ભગવાન શ્રી કૃષ્ણનું મનગમતું મોરપીંછ, જે તેમના મસ્તક પર જ હોય છે, તે મોરપીંછ પર રંગોથી દ્વારકાધીશની ચિત્રપૂજા કરી હતી. જે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે.