કચ્છ: ભુજ શહેરમાં ચારે બાજુ રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે. છતાં ભુજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે ગંભીર નથી. ઢોરોના માલિક દ્વારા છૂટા મૂકી દેવાતા પશુઓ નગરપાલિકા દ્વારા કોઈ તકેદારી લેવામાં આવતી નથી અને જાહેર રસ્તાઓ પર પણ ઢોરોનો જમાવડો જોવા મળતો હોય છે. નગરપાલિકા આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી રહેવાસીઓ દ્વારા માંગ કરાઈ છે. ભુજ નગરપાલિકા દ્વારા રહેવાસીઓને જણાવવામાં આવ્યું છે કે, હાલમાં શ્રાવણ મહિનો શરૂ થયો છે. ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવામાં નથી. આવતા તેવું કારણ આપવામાં આવ્યું છે. જે એક અચરજ પમાડે તેવું નિવેદન છે. ત્યારે હવે ભુજવાસીઓને રખડતાં ઢોરના ત્રાસમાંથી ક્યારે મુક્તિ મળશે એ જોવું રહ્યું.
ખુલ્લેઆમ રખડતા ઢોરોનો ત્રાસ: ભુજમાં ખુલ્લેઆમ રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે ખૂબ વધી ગયો છે. છેલ્લા 3-4 મહિનામાં અનેકવાર વાહનોને નુકસાન પહોંચાડવાના બનાવ નોંધાયા છે. ત્યારે અનેક લોકોને ઢોરોએ અડફેટે લીધા છે. ઢોરોના માલિક દ્વારા શહેરમાં ઢોર છૂટા મૂકી દેવાતા તે અંગે કોઈ તકેદારી લેવામાં નથી આવી રહી. ત્યારે ભુજ નગરપાલિકા જેમ બને તેમ જલદી આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
જાહેરમાં ચારો વહેંચાતો હોવાથી ઢોરો રસ્તા પર: ઢોરોના ત્રાસને કારણે બાળકો તેમજ સિનિયર સિટીઝનો માટે સતત જોખમ રહેતું હોય છે. જેના કારણે બાળકો અને મોટી ઉંમરના લોકોને ઘરથી બહાર નીકળવું એ અસલામતીભર્યું બની ગયું છે. ત્યારે શહેરમાં ઠેર ઠેર જાહેરમાં ચારો વહેંચવામાં આવે છે. જેના કારણે પણ ઢોર જાહેર માર્ગો પર જમાવડો કરતા હોય છે. થોડાક સમય પહેલા જાહેરમાં ઘાસ વહેચનારાઓ પાસેથી ઘાસ જપ્ત કરી દંડ વસુલી સંતોષ માની લેવામાં આવ્યો હતો. પરંતુ નગરપાલિકા દ્વારા ઢોર પકડવામાં ઉદાશીન સાબિત થતા રખડતા ઢોરના કારણે અનેક નાના-મોટા અકસ્માતો થતા હોય છે.
અનેક વિસ્તારોમાં રાહદારીઓ પરેશાન: ભુજના બસ સ્ટેન્ડ, શાક માર્કેટ, વાણિયાવાડ, મહાદેવ નાકા, જાહેર માર્ગો, વી. ડી. હાઈસ્કૂલ, મહેરઅલી ચોક સહિત અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોને લીધે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાયો અને આંખલાઓએ અડ્ડો જમાવીને ઊભા રહી જતા હોય છે. જેથી કરીને રાહદારીઓ સહિત વાહનચાલકોને પણ અવર-જવરમાં મુશ્કેલીઓ પડે છે.
શ્રાવણ માસમાં ઢોર પકડવાની કામગીરી બંધ: ભુજ નગરપાલીકાના વોર્ડ નંબર 6 સોનીવાડ વિસ્તારમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે અને 50થી 60 ગાયો આ વિસ્તારમાં બેઠી હોય છે. જેથી આ વિસ્તારમાં ગંદકી પણ થતી હોય છે. ત્યારે આજે મહિલાઓ રજૂઆત કરવા પહોંચી હતી જ્યાં નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી કે શ્રાવણ મહિનો ચાલુ છે એટલે ગાયો પકડવાનું બંધ છે. શ્રાવણ મહિનો હાલમાં બેઠો છે એ પહેલા કેમ ગાયો પકડવામાં ના આવી.
અઠવાડિયામાં અનેકવાર ઢોરના કારણે અકસ્માતો: ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ખરેખર તો નગરપાલિકાએ રખડતા ઢોરો પકડીને સમસ્યા દૂર કરવી જોઈએ કારણે કે, અઠવાડિયામાં અનેકવાર ઢોરના કારણે અકસ્માતો થાય છે. તેમજ અગાઉ પણ અનેક લોકોએ ઢોરના કારણે જીવ ખોયા છે. હકીકતમાં નગરપાલિકા દ્વારા એક જગ્યાએ ઢોરોને સાચવી રાખવા જોઈએ. જે લોકો ચારો આપવા ઈચ્છતા હોય તેમને ભુજ નગરપાલિકા ખાતે આવી પોતાની યથાશક્તિ મુજબ યોગદાન આપીને ચારો નોંધાવો જોઈએ. ત્યારબાદ નગરપાલિકાએ આવા ઢોરને ચારો આપવો જોઈએ. પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા આ કામગીરી પણ કરવામાં નથી આવી રહી. શ્રાવણ મહિનો છે ઢોર ના પકડી શકાય તેવો કોઈ નિયમ હોય નહીં ખરેખર લોકોને પરેશાની થાય છે. તે વધારે છે માટે સમાન્ય જનતા માટે આ કામગીરી થવી જરૂરી છે.
શ્રાવણ માસમાં ઢોર પકડવાની કામગીરી બંધ: ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી રખડતાં ઢોર પકડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે રખડતા ઢોરની સમસ્યા દિવસે-દિવસે વધી રહી છે. ભુજ નગરપાલિકાના પ્રમુખનું આ મામલે કહેવું છે કે, સેનેટરી શાખાના હેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં શ્રાવણ મહિનો ચાલુ છે. ત્યારે ઢોરોને પકડવામાં નથી આવતા. તો આગામી દિવસોમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે. તેવી સ્થાનિકોને બાંયધરી આપવામાં આવી છે. ઉપરાંત મંદિરોની બહાર જ્યાં ચારો વેંચવામાં આવે છે. ત્યાં પણ ઢોરો ભેગા ન થાય તેના માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે.