કચ્છ : ભુજમાં જિલ્લા સરકારી પુસ્તકાલય આવેલ છે, જ્યાં વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરવા માટે જતા હોય છે. આ પુસ્તકાલયની હાલત ખૂબ દયનીય છે. વિદ્યાર્થીઓને વાંચન દરમિયાન મુશ્કેલીઓ થઈ રહી છે, સાથે જ પીવાના પાણીની પણ વ્યવસ્થા ન હોવાનું વિદ્યાર્થી જણાવી રહ્યા છે. આ ઉપરાંત વાઇફાઇ, સ્વચ્છતા, બાથરૂમમાં અગવડતા સહિતના પ્રશ્નો છે.
વાયદાની વાસ્તવિકતા દર્શાવતો કિસ્સો : તાજેતરમાં જ કચ્છ જિલ્લા કલેક્ટર તથા પશ્ચિમ કચ્છ પોલીસ સહિતના વિભાગો દ્વારા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને દીકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા તથા પોલીસ ભરતીના માર્ગદર્શન માટે સુંદર આયોજન કરાયું હતું, તેની સરાહના પણ કરવામાં આવી હતી. પરંતુ સારું ભવિષ્ય ઘડવામાં વિદ્યાર્થીઓની હાડમારી વેઠી રહ્યા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે, જે તંત્રની પોલ ખોલી રહ્યો છે.
ભુજના સરકારી પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સહિત વાંચન માટે આવે તો છે. પરંતુ અહીં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, જે અંગે બે વર્ષથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ સાંભળતું નથી.
ભુજ સરકારી પુસ્તકાલયની કંગાળ સ્થિત : ભુજની સરકારી લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સાથે વાંચન માટે 200થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. પરંતુ લાંબા સમયથી પાણી-સફાઇ શૌચાલય તથા વાઇફાઇ જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. વિદ્યાર્થીઓ લાયબ્રેરીના સંચાલકોને રજૂઆત કરી કરીને થાકી ગયા છે. હવે તેઓએ વહીવટી તંત્રને રજૂઆત કરી છે. સાથે જ મીડિયા સમક્ષ પણ પોતાની સમસ્યા રજૂ કરી હતી.
શોભાના ગાંઠિયા સમાન સરકારી સવલતો : તાજેતરમાં જ વિદ્યાર્થીઓએ આ અંગે નાયબ કલેકટરને લેખિત રજૂઆત કરી હતી, પરંતુ હજુ સમસ્યા ઠેરની ઠેર છે. ભુજમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શાંતિથી વાંચન કરી શકે તે માટે લાઇબ્રેરીમાં આવે છે, પરંતુ અહીં સુવિધાના નામે મીંડુ છે. વિદ્યાર્થીઓને પૂરતું પીવાનું પાણી અહીં મળતું નથી, અસ્વચ્છ શૌચાલય છે. તો આધુનિક સમયમાં ઇન્ટરનેટ ડેટા માટે લગાવવામાં આવેલી વાઇફાઇ સુવિદ્યા પણ ખાડે ગઈ છે. લિમિટેડ કનેક્શન હોતા અન્ય વિદ્યાર્થીઓ ઈન્ટરનેટથી વંચિત રહી જાય છે.
"વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે બાથરૂમમાં સાફ સફાઈ કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓની અન્ય સમસ્યાઓ અંગે પણ આગામી સમયમાં ઉકેલ આવી જાય તેના માટે પગલાં લેવામાં આવશે." -- ગ્રંથપાલ
પ્રાથમિક સુવિધાના નામે મીંડુ : વિદ્યાર્થીઓની લાયબ્રેરીમાં આવી નાની મોટી અનેક ત્રુટીઓ અંગે રજૂઆત કરી છે, પરંતુ બે વર્ષથી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. લાયબ્રેરીમાં અભ્યાસ અને વાંચન માટે આવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. પીવા લાયક પાણી નથી, સફાઈનો અભાવ છે અને શૌચાલયમાં બીનજરૂરી પાણી વહેતા ગંદકી સર્જાય છે. સાથે જ બાથરૂમ જતા સમયે અંદરથી દરવાજો બંધ કરવા માટે કડી પણ નથી. આવી અનેક સમસ્યાએ સરકારી લાઇબ્રેરીમાં ભરડો લીધો છે.
વિદ્યાર્થીઓની માંગણી : લાયબ્રેરીમાં વાંચન માટે આવતા વિદ્યાર્થીઓએ રોષપૂર્વક જણાવ્યું કે, જો પ્રાથમિક સુવિધા જ લાયબ્રેરીમાં ન હોય તો આવી લાયબ્રેરી શું કામની ? આ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અને વાંચન માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 જેટલી છે અને અમે વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત અને માંગણી કરી છે. છતાં આ સમસ્યાઓનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત માટે તાત્કાલિક આ સમસ્યાનુ નિરાકરણ લાવવું જોઈએ.