ભાવનગર: શહેરમાં માત્ર એલોપેથી જ નહીં પરંતુ આયુર્વેદ દ્વારા પણ સારવાર લેનારો વર્ગ છે. ભાવનગરમાં વર્ષોથી સ્થાપિત તાપીબાઈ હોસ્પિટલમાં આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે. હજારો લોકો દર મહિને અહીં સારવાર માટે આવે છે. પરંતુ આ હોસ્પિટલનું બિલ્ડિંગ ખખડધજ થઈ ગયું છે. નવા બિલ્ડિંગનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હવે કાગળિયા ઉપરનું કામ જમીન પર ક્યારે આવશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
હોસ્પિટલ કોલેજમાં ટ્રાન્સફર: ભાવનગર શહેરની એક માત્ર સરકારી આયુર્વેદ હોસ્પિટલનું બિલ્ડિંગ ખખડધજ થતા તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું છે. નવી બિલ્ડિંગ બન્યા બાદ તેને ફરી શિફ્ટ કરવામાં આવશે. પરિણામે આ આયુર્વેદ હોસ્પિટલ શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. જોકે બીજા બિલ્ડિંગનું કામ હાલ સરકારમાં મંજૂરીમાં આપવામાં આવ્યું છે ત્યારે હોસ્પિટલને તેનું બિલ્ડિંગ ક્યારે મળશે તે એક મોટો પ્રશ્ન છે.
જૂની ઈમારત ખખડધજ: તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલના ઇન્ચાર્જ વહીવટી અધિકારી ડૉ. નિલેશ સરવૈયાએ જણાવ્યું હતું કે, આ બાબતે સરકારમાંથી અમુક ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે અને તેના આધારે જૂની હોસ્પિટલ છે તેને પાડી નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. NCSM દિલ્હીના દ્વારા જાહેર કરવામાં આવેલા ગાઈડલાઈન પ્રમાણે જે રીતે હોસ્પિટલ બનાવવાની છે તેનો આખો મેપ પણ તૈયાર થઈ ગયો છે. જેમાં નિયામકની મંજૂરી અને આગળ બીજી મંજૂરી મળ્યા બાદ કામ ચાલુ કરવામાં આવશે."

એક પ્લાન ફેલ, બીજો મંજુર કરાયો: મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે, પ્રથમ પ્લાન 22 કરોડ આસપાસનો તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે આ બાબતે ડૉ. નિલેશ સરવૈયાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં આ બિલ્ડિંગ બનાવવા માટે સરકાર પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા 12 કરોડ રૂપિયા મંજૂર થયા છે અને એ પ્રમાણે નકશો તૈયાર કરવામાં આવ્યો છે. બાકી બીજી ગ્રાન્ટ જરૂર પડશે તો સરકારમાંથી માગવામાં આવશે. પહેલા જે પ્લાન બનાવવામાં આવ્યો હતો એમાં થોડા ઘણા ફેરફાર થયા છે કેન્સલ નથી કર્યો. પરંતુ 2024માં નવા નિયમો આવ્યા છે તેના પ્રમાણે થોડા ઘણા ફેરફાર સાથે પ્લાન સરકારમાં રજૂ કરવામાં આવ્યો છે."


આયુર્વેદ હોસ્પિટલમાં OPD અને દાખલ દર્દી: ભાવનગરની તાપીબાઈ હોસ્પિટલમાં અનેક દર્દીઓ એલોપેથી નહીં પણ આયુર્વેદિક સારવાર લેવા આવે છે. છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોલેજના બિલ્ડિંગમાં હોસ્પિટલનું કામ ચલાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દે ડૉ. નિલેશ સરવૈયાએ જણાવ્યું હતું કે, 'અહીં એવરેજ 60 થી 70 દર્દીઓ દાખલ રહે છે, રેગ્યુલર OPD હોય તેમાં 300 થી 400 પેશન્ટની હાજરી રહે છે. અહીં તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત દર્દીઓને રહેવાની અને જમવાની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવે છે.'


આ પણ વાંચો: