ભાવનગર : ભાવનગર શહેરમાં છેલ્લા ચાર વર્ષથી નરેન્દ્રસિંહ ગોહિલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે 2024 ની આ ટુર્નામેન્ટનો પ્રારંભ 26 જાન્યુઆરીથી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કરવામાં આવ્યો હતો. જેમાં શહેર અને જિલ્લાની અનેક ટીમો ભાગ લીધો છે. જો કે ભરૂચા ક્લબ તરીકે ઓળખાતી ભાવસિંહજી ક્રિકેટ ક્લબ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં સૌથી ઓછી ફી રાખનાર કલબની ક્રિકેટ ટુર્નામેન્ટ દરેક ક્રિકેટ રમવા માંગતા યુવાનોને વર્ષોથી તક આપી રહી છે. ટુર્નામેન્ટથી શું થશે ફાયદો ચાલો જાણીએ.
ચેતન સાકરીયાની હાજરીમાં થયો પ્રારંભ : ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડ સામે આવેલ ભરૂચા કલબ એટલે સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ જેને વર્ષો પહેલા નરેન્દ્રસિંહ ગોહિલ એટલે કે એનસી બાપા દ્વારા સંચાલન કરવામાં આવતું હતું. આજે તે ક્રિકેટ ચાહકોને પ્રેમીઓની વચ્ચે રહ્યા નથી, ત્યારે તેમની યાદમાં સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. 26 જાન્યુઆરી નિમિત્તે 2024 ની ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ક્રિકેટર ચેતન સાકરીયાની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે અન્ય ક્રિકેટ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
દેશમાં સૌથી ઓછી ક્રિકેટ શીખવાની ફી : ભાવનગરની સર ભાવસિંહજી ક્રિકેટ ક્લબ ખાતે નરેન્દ્રસિંહ ગોહિલ ( N C બાપા) ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. ત્યારે ક્રિકેટ ક્લબના સભ્ય પ્રકાશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે એન સી બાપા ટુર્નામેન્ટ છેલ્લા ચાર વર્ષથી રમાડવામાં આવે છે. ભાવનગરના ક્રિકેટ જગતમાં મોટું યોગદાન કહેવાય કે નાનામાં નાનો ગરીબ ઘરનો દીકરો ક્રિકેટ રમી શકે અને પોતાની પ્રતિભા દેશ સુધી બતાવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આજે એનસી બાપા હયાત નથી પણ તેમની યાદમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે, તેમાં સાત ટીમ ભાગ લઈ રહી છે. 31 તારીખ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે. સારા ખેલાડી બહાર આવશે. એનસી બાપાનું સ્વપ્ન હતું તે સાકાર થઈ રહ્યું છે. મને ગર્વ છે કે આખા દેશમાં સૌથી ઓછી ફીમા ક્રિકેટ કોઈ શીખવતું હોય તો આ ક્લબ છે જેમાં ગરીબ ઘરનો દીકરો પણ આગળ આવી શકે છે.
ક્રિકેટર ચેતન સાકરીયાએ શું કહ્યું : ચેતન સાકરીયાએ કહ્યું હતું કે સૌપ્રથમ એ કહીશ કે એન સી બાપાના નામે ટુર્નામેન્ટ રમાડાઈ રહી છે તેને કારણે યુવા ખેલાડીને ફાયદો થશે. આપણે જોઈએ તો ભાવનગરમાં ખૂબ જ ટેલેન્ટ ભરેલું છે, જે બહાર નહોતું આવતું. પણ આ પ્રકારની ટુર્નામેન્ટનો પ્રારંભ થવાથી દરેક ખેલાડી માટે ફાયદાકારક બનશે. હવે તો રણજી ટ્રોફી અને IPL જેવા ઘણા સ્કોપ વધી ગયા છે, જેનો ફાયદો યુવા ખેલાડીઓ આગામી દિવસોમાં મેળવી શકે છે.