ભાવનગર : દિવસે દિવસે વધતી મોંઘવારી વચ્ચે શાકભાજીનો ખર્ચ ગૃહિણીઓના માથે ભાર બન્યો છે. જોકે મોટાભાગના લોકો પાસે પોતાના ઘરમાં આંગણું હોય તો પણ ઘરની જરૂરિયાત પૂરતા શાકભાજીનું વાવેતર આંગણામાં જ કરીને શાકભાજીનો ખર્ચ ટાળી શકે છે. મળો ભાવનગરના એવા જ એક વ્યક્તિને જેણે છેલ્લા ત્રણ વર્ષથી શાકભાજીનો ખર્ચ શૂન્ય કર્યો છે.
ફાયદાકારક કિચન ગાર્ડન : ચોમાસાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ઉનાળામાં લોકોએ મોંઘી શાકભાજી ખરીદીને આરોગી લીધા છે. જોકે ETV BHARATએ એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવશે જેના ઘરમાં શાકભાજીનો ખર્ચ શૂન્ય છે. હા અહીંયા વાત કરવી છે સંજયભાઈ રાજપુરાની. શાકભાજીનો ખર્ચ કેમ નથી તે અંગે સંજયભાઈએ જણાવ્યું કે, હું છેલ્લા લગભગ ત્રણ-ચાર વર્ષથી શાકભાજી વાવણી કરું છું. મારા ઘરની બાજુમાં એક પડતર જગ્યા પડી હતી, તેનો સદુપયોગ કર્યો. ગુવાર, ભીંડા, રીંગણ અને તુવેર જેવા સંપૂર્ણ ઓર્ગેનિક શાકભાજી ઉગાડું છું.
ઓર્ગેનિક શાકભાજી વાવેતર : વધુમાં સંજયભાઈએ જણાવ્યું કે, કોઈ પણ ઘરે જગ્યા હોય અથવા ના હોય તો પણ ઘરમાં કે ધાબા ઉપર વાવી શકે છે. વલ્લભભાઈએ જણાવ્યું હતું કે, ઘરે શાકભાજી વાવીને આપણે તો મોટામાં મોટો ફાયદો એ થાય કે કેમિકલવાળું શાકભાજી આપણે ખાવી છે એ કોઈ પણ જાતનું શાકભાજી આપણે ખવાય નહીં અને ઘરે ઘરે જે બગીચા બનાવીને ફૂલ છોડ વાવે છે, તો એની જગ્યાએ આ શાકભાજી ઉગાડે તો બધા માટે આરોગ્ય માટે બહુ સારું કહેવાય.
એક તીર દો નિશાન : ભાવનગરના નવાપરામાં આવેલી બાગાયતની કચેરીના અધિકારી એમ. બી. વાઘમશીએ જણાવ્યું કે, હાલમાં જોઈએ તો ઉનાળામાં શાકભાજી મોંઘુ થતું હોય. ખાસ કરીને આ એવી સિઝન છે કે જેમાં શાકભાજી ખૂબ જ મોંઘુ હોય છે. પરંતુ જો આપણે થોડો પ્રયત્ન કરીને આપણા ઘરે જ ગાર્ડન વિકસાવીએ તો આપણને તાજુ ઓર્ગેનિક શાકભાજી ઘર બેઠા જ મળે. ઉપરાંત ખોટા પૈસા ખર્ચવા ન પડે અને આપણે ગ્લોબલ વોર્મિંગમાં ઘટાડો કરી શકીએ. એ માટેના જો પ્રયત્ન કરીએ તો આપને ખૂબ જ ફાયદો થાય છે.
બાગાયત વિભાગનો સહયોગ : બાગાયત અધિકારી એમ. બી. વાઘમશીએ જણાવ્યું હતું કે, બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડન વિકસાવવા અને શાકભાજી ઉગાડવા માટે સીડ એટલે કે બિયારણ પણ અમે વિનામૂલ્યે એટલે કે નહીં નફાની નુકસાનના ધોરણે વિતરણ કરીએ છીએ. સાથે સાથે આવું કિચન ગાર્ડન જો તમે બનાવવા માંગતા હોય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જે નહીં નફો નહી નુકશાનના ધોરણે આપને પ્રોવાઈડ કરીએ છીએ.